નેહા પુરોહિત ~ મને ઓઢાડો અજવાળું * Panna Nayak 

મને ઓઢાડો અજવાળું ~ નેહા પુરોહિત

ભીતરના અંધાર વચાળે હું જ મને ના ભાળું,

મને ઓઢાડો અજવાળું.

માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી,

કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી?

રણકારે પરખાય ઘડૂલો, લોટી, માણસ માળું,

મથીમથીને થાકી તો પણ હું જ મને ના ભાળું,

મને ઓઢાડો અજવાળું.

અંધારે આ દેહ ઘડ્યો, અજવાળે આપ્યા શ્વાસ,

પછીય રોજેરોજ દીધાં છે અંધારાં અજવાસ!

દોષ તમારો નથી જ, ઘરને મેં જ લગાવ્યું તાળું,

કહો પ્રભુજી! શું કરવું, જ્યાં હું જ મને ના ભાળું,

મને ઓઢાડો અજવાળું.

ક્ષણનો સાક્ષાત્કાર કરું તો ક્ષણમાં ઊતરે મ્હોરું,

આતમને રંગાવા આપો મેઘધનુષી ફોરું,

આજકાલ તો ઝીણી ચાદર અંગઅંગ વીંટાળું,

સ્પર્શ તમારો માણું, છો ને હું જ મને ના ભાળું!

મને ઓઢાડો અજવાળું.

નેહા પુરોહિત

કવિ નેહા પુરોહિત ખૂબ ઝડપથી જાણીતું થયેલું નામ છે એમાં યશ એમનાં ગીતોને ફાળે જાય છે. ગીત સ્વરૂપ એમણે સરસ રીતે હસ્તગત કરી લીધું છે. લય એમને આત્મસાત થયેલો છે અને કલ્પનની સમૃદ્ધિ એમની પાસે છે. ‘પરપોટાની જાત’થી શરૂ થયેલી યાત્રા અજવાળું ઓઢવાની ઝંખના સાથે આગળ વધે છે. બંને સંગ્રહોના નામકરણમાં કવિનો ચોક્કસ પ્રકારનો ઝોક વર્તાઇ આવે છે.

કાચી માટીની કાયાની અનુભૂતિ અને પોતાની મર્યાદાની સમજ કવિને આતમના અજવાળાં મેળવવા દોરે છે, ક્ષણના સાક્ષાત્કાર તરફ ખેંચે છે. આ આધ્યાત્મિક ઝંખનાની અભિવ્યક્તિને એક કાવ્યાત્મક ગેય પદારથ ઘડવામાં તેઓ સફળ રહ્યાં છે.

નવા સંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’ ગીતસંગ્રહનું ‘કાવ્યવિશ્વ’માં હૂંફાળું સ્વાગત છે.   

‘મને ઓઢાડો અજવાળું’   પ્ર. સ્વયં  2022

OP 27.9.22

D. K. Vaniya

03-10-2022

સરસ, રચના, મને ઓઢાડો અજવાળુ,
આજ સુધી કોઈ કળી શક્યું નાં,
કયું છે અંધારુ ?
અંધ શ્રધ્ધા ની આંધળી દોટ માં, થૈ ગયું મોટું જાળુ
માનવતા ને મેલી કોરાળે, અધમતાની આળપંપાળુ
પછી કયાં થાય અજવાળુ
આજ સુધી કોઈ કળી શકયું નાં.

છબીલભાઈ ત્રિવેદી

27-09-2022

નેહા પુરોહિત નુ નામ અેટલે સુંદર મજા ના ગીત ખુબ સરસ રચના આપનો કાવ્ય પરિચય પણ ખુબજ માણવા લાયક રહ્યો અભિનંદન આભાર લતાબેન

સાજ મેવાડા

27-09-2022

“મને ઓઢાડો અજવાળું” ધૃવ પંક્તિ ખૂબ જ સરસ ગીતને ઉઘાડી આપે છે.

કિશોર બારોટ

27-09-2022

સદાય મખમલી અજવાળા પાથરતી કલમ એટલે નેહા પુરોહિત.🙏

Varij Luhar

27-09-2022

‘મને ઓઢાડો અજવાળું” ગીત સંગ્રહને આવકાર અભિનંદન શુભકામનાઓ
અહીં પ્રસ્તુત ગીત અને આસ્વાદ ખૂબ સરસ

ચંદ્રશેખર પંડ્યા

27-09-2022

ખૂબ સુંદર ગીત! ભાવેણાંની જણસ…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: