રમણીક અગ્રાવત ~ પિયરને * મહેન્દ્ર જોશી

પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાં

રંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતા

સંજવારી કાઢતાં કાઢતાં ક્યાં વાળી મૂકેલી સાંજો

ફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળખેલાં સપનાં

ડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું :

ગાઈ દેશે બધું રાવણહથ્થો

પતંગ ઊડાડતાં ક્યાંક અજાણી સીમમાં કરેલું ઉતરાણ

નિશાળના પાછલા વાડામાં શીમળા હેઠ ઊઝરતાં તોફાન

મોંપાટ ભેગાં ધરાર ગોખાઈ ગયેલાં નામ

સપનામાં ક્યારેક રણકી જતી મંદિરની ઘંટડીઓ

ચોબનવડની વડવાઈએ દિવસો બાંધી આમ ચાલી નીકળવું :

ગાઈ દેશે બધું રાવણહથ્થો

વ્યવહારોના જંગી ચકરડે અમથી પીલાણે ચડેલી ઈચ્છાઓ

રોજમેળના જમા-ઉધારની બહાર રહી જતા હિસાબો

ગળા સુધી મૂંઝવી અમથી ઓલવાઈ જતી વિટંબણાઓ

કોઈક સાંજને ખીલવી જતો વાસંતી હિલ્લોળ

આ આમ ને આ તેમ-ની છાતીમાં છીણી મારીને કોળતાં ગીત:

ગાઈ દેશે બધું રાવણહથ્થો.

~ રમણીક અગ્રાવત

આસ્વાદ ~ મહેન્દ્ર જોશી

કવિ શ્રી રમણીક અગ્રાવતના નૂતન કાવ્યસંગ્રહ ‘વાદ્યોમાં હું રણકાર છું’ ના પૃષ્ઠ ૫૩ પરનું ‘રાવણહથ્થો’ કાવ્યનું આસ્વાદન કરવાનાં કેટલાંક ગમતાં કારણો છે.

* સાંપ્રતમાં સર્જાતા ઢગલાબંધ ગુજરાતી કાવ્યો વચ્ચે આ કાવ્યમાં અલગ પડતી ભાવ -ભાષાની રમણીય ભાત રચાયાનો આહલાદક કલાત્મક અનુભવ થાય છે.

* છ- છ પંક્તિઓના સુગ્રથિત પ્રથમ બે ખંડોમાં વિગતનો પદરવ, ત્રીજા ખંડમાં વર્તમાન સુધી લંબાય છે. જે કાવ્યને વધુ સંવેદ્ય બનાવે છે.

* દરેક ખંડની છઠ્ઠી પંક્તિ ‘ગાઈ દેશે બધું રાવણહથ્થો ‘ ગીતની ધ્રુવપંક્તિ જેમ તીણા આર્દ્ર સૂરમાં કોળી ઊઠે છે.

* વાદ્યને કાગળમાં, કાગળને વાદ્યમાં પલટાવવાનો કવિકીમિયો ધ્વન્યાત્મક કાવ્યાનુભવ કરાવે છે.

* સૂર અને શાહીનો વિપર્યાસ રચી કાવ્ય સર્જવાનો કવિનો આ રચનાપ્રપંચ કાવ્યગુણને પ્રકાશિત કરે છે.

કવિ કાવ્યસંગ્રહના પ્રથમ પૃષ્ઠ પર જ કહે છે : ‘ખેંચી, ફૂંકી, અથડાવી, દબાવી, ઘસી, ટકોરી વગાડે છે મને વાદ્યો’ તો કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે :’ વાદ્યો વગાડીશ હું સ્વર-વ્યંજનોમાં કલ્પનોમાં. ઉકલશે અક્ષરોમાં વાદ્ય. આ બંને કવિ કથિત કેફિયત જેવી કાવ્યપંક્તિઓ કવિની સર્જનપ્રક્રિયાની, નિસબતની સાખ પૂરે છે.

શરણાઈથી શંખ સુધીના ૩૯ વાદ્યોમાં એક કાવ્ય છે ‘રાવણહથ્થો’. સાર્થ શબ્દકોશ પ્રમાણે ‘રાવ’નો પ્રાકૃતમાં અર્થ રોવું, કકળવું, અવાજ કરવો જયારે હથ્થો એ હાથના અર્થમાં. ગજના ઘસરકે વાગતું પેલા જોગી ભરથરીનું તંતુવાદ્ય. (સ્મરણસંદર્ભ : ગામડામાં નાથબાવાઓ,સાધુઓ અને યાચકો ખભ્ભે રાવણહથ્થો લટકાવી ‘ભેખ રે ઉતારો રાજા ભરથરી !’ નું ગીત ગાતાં આવી ચડતાં )

કાવ્યની પ્રથમ ખંડની પાંચ અછાંદસ પંક્તિમાં પાંચ વીતેલ કાળનાં સ્મૃતિદ્રશ્યો આંખમાં આર્દ્રતા ભરી જાય છે. પ્રથમ પાંચ પંક્તિમાં કિશોરીથી, કુમારીથી – કન્યાના પરિણય સુધીના અધૂરા મનોરથો ‘પિયર’, ‘ઓરતા’, ‘સંજવારી’, ‘લીંપાતું ફળિયું’ અને ‘કંકુથાપા’ જેવા શબ્દોના તળભૂમિના તળપદી સ્મૃતિસંદર્ભો અને સંસ્કારો ઝૂરાપાની સાંજ જેવી લાલ ટશરો મૂકી જાય છે. ઘૂંટાયેલા ઘેરા રંગની આ સ્મૃતિઓને અભિવ્યક્ત કરવા શબ્દોને પોતાનો જ પડછાયો નડે છે. ત્યારે કવિને કહેવું પડે છે, ‘ગાઈ દેશે બધું રાવણ હથ્થો’ તેના તીણા કરુણ સૂરો દ્વારા. અહીં કવિએ કાવ્યના પ્રથમ ખંડમાં કોઈ એક નારીને જ કેન્દ્રિત કરી નથી પણ એ ગ્રામજીવનમાં ઉછરેલ બધી જ નારીહૃદયનો પિયરની સ્મૃતિના ઝૂરાપાને અભિવ્યક્તિ આપી કાવ્યનો વ્યાપ વિસ્તાર્યો છે. કાળના આવરણમાં સ્મૃતિઓના તીણા,આર્દ્ર સૂરો ગજના ઘસરકે રાવણહથ્થામાંથી રેલાય છે..રાવણહથ્થો માત્ર વાદ્ય ના રહેતા જાણે એ બધી જ નારીઓના હ્રદયનું પ્રતિક બની જાય છે. આ પ્રથમ ખંડમાં કવિએ સર્વનામો ઓગાળી કાવ્યની આગવી ભાષા દ્વારા કવિકર્મ સિદ્ધ કર્યું છે. પાંચમી પંક્તિ ‘ ડેલીમાં ડાબા હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું:’ આ ‘ચાલી નીકળવું’ એ સમગ્ર કાવ્યનો ચેતાક્ષ છે. એ ના ભુલાવું જોઈએ. આમ ગોપિત રીતે ગ્રામજીવન પ્રણાલીના એક કાળખંડને સ્મૃતિઓ દ્વારા સજીવન કર્યો છે.

બીજા ખંડની પાંચ પંક્તિઓમાં પણ વીતેલા ગ્રામજીવનના સ્મૃતિદ્રશ્યો ચાક્ષુષ થાય છે. અહીં રમતિયાળ કિશોરનું યુવાન થઇ તળ ભૂમિમાંથી (સ્થાનાંતર) ‘ચાલી નીકળવું ‘ કેન્દ્ર સ્થાને છે.એ પણ એ સુખદ સ્મૃતિઓને સાથે લઈને…’પતંગનું અજાણ સીમમાં ઉતરાણ’, ‘નિશાળના પાછલા વાડામાં તોફાન’, મોંપાટમાં ગોખેલા નામ’,’મંદિરની ઘંટડીઓ’ અને ‘વડવાઈએ દિવસો બાંધી ચાલી નીકળવું:’ હવે એ ગ્રામજીવનની માત્ર સ્મૃતિઓ છે.અને તેનો ઝૂરાપો …..સમય અને સ્થળ વચ્ચે વ્યાપેલો અવકાશ છે. હવે

કવિ આ ઝૂરાપાને શબ્દસ્થ કરવા અસહાય છે ! એટલે જ ધ્રુવ પંક્તિમાં આ બધું હવે ‘ગાઈ દેશે રાવણ હથ્થો’. શબ્દોને સૂરના આશ્રયે મૂકી દે છે.

ત્રીજો ખંડ વિગતમાંથી વર્તમાનમાં પછડાય છે. એક તરફ ગ્રામજીવનનો વિચ્છેદ, સ્મૃતિઓનો ઝૂરાપો અને બીજી તરફ ‘ વ્યવહારના જંગી ચકારડે પીલાતી ઈચ્છાઓ’, ‘જમા-ઉધારની બહાર રહી જતા હિસાબો’, ‘ગળા સુધી મૂંઝવી જતી વિટંબણાઓ’, કોઈક સાંજનો વાસંતી હિલ્લોળ,’ અને ‘છાતીમાં છીણી મારીને કોળતાં ગીત :’ આ પાંચ પંક્તિઓમાં પણ ‘જંગી ચકરડા’ માં વિકટ યાંત્રિકયુગમાં જીવતા જીવનનો સંદર્ભ પ્રગટ થાય છે. તો ‘જમા-ઉધાર’ જેવા સંદર્ભ દૈનિક કંટાળાજનક રોજ’ગારની લેણ –દેણની પ્રવૃત્તિ ઉલ્લેખે છે.વ્યાવસાયિક, વ્યાવહારિક અને પારિવારિક વિટંબણાઓ વચ્ચે કોઈ સાંજ કોઈ કાવ્યનો વાસંતી હિલ્લોળ લઇ આવી ચડે તો આવી ચડે ! ત્યારે ‘ આ આમ ને આ તેમ- ની છાતીમાં ધરબાયેલા સંવેદનોને છીણી મારીને ગીત રૂપે કોળવા પડેની વેદના- વ્યથા છે. આ બધું ‘ગાઈ દેશે રાવણ હથ્થો’!

કાવ્યના પ્રથમ વાચને એમ લાગે કે આ કેવળ સ્મૃતિ કે ઝૂરાપાનું કે ‘સોરાવા’નું nostalgic કાવ્ય છે.

પ્રથમ બે ખંડની પંચમી પંક્તિના અંતે આવતા ક્રિયાપદ ‘ચાલી નીકળવું’. ક્યાં ? તે કાવ્યમાં અધ્યાહાર છે. તેનો સ્ફોટ ત્રીજા ખંડમાં ભાષાની કઠોર, કર્કશરીતિ દ્વારા થાય છે. કવિએ બે કાળખંડની સહોપસ્થિતિ કહો કે સ્મૃતિગત અતીત અને વિકટ વર્તમાનનો સેતુ રચ્યો છે તે પણ એમ કહીને કે આ બધું ગાઈ દેશે રાવણહથ્થો. કવિ શબ્દને બદલે સૂરનો આશ્રય લઇ ખસી જાય છે ! આ બધી સંવેદનાઓના છાતીમાં ધરબાયેલા ગીત ‘છીણી મારીને ‘ ગાઈ દેશે એ કાવ્યની પરાકાષ્ઠા છે .કવિ તો તે છે આ બધી મનુષ્યકૃત કે નિયતિની વિટંબણામાંથી કાવ્યના પુષ્પો ખીલવે કે કાગળને વાદ્ય બનાવી સંગીત સર્જે!

કવિ ‘વાદ્ય-પ્રવેશ’માં આમ કહે છે :’ વાદ્યો મારી પાસે આવ્યાં, મને કહે: તું અમને વગાડ, તું અમને ગા, મેં ઘેલાએ લીધી કલમ, લીધો કાગળ , આટલો વહાલો કાગળ ક્યારેય નથી લાગ્યો, ચાર આંગળી ને પાંચમો અંગૂઠો, અરે આખે આખો હાથ થયો કલમ. વાદ્યો વગાડે કે કાગળ કે મન એ ન સમજાય, રેલાય એ વાદ્યસૂર કે શાહી?

અંતે આટલું : કવિએ તેના કાવ્યસંગ્રહમાં ‘એક રણકાર મને બજાવી રહ્યો છે’માં આપણા બે સમર્થ કવિઓ લાભશંકર ઠાકર અને ઉમાશંકર જોશીની બે કાવ્ય પંક્તિઓનો સંદર્ભ આપે છે.

(૧) ‘ જે છે તે અવાજમાં છે: સ્મૃતિમાં ઊભું છે અડગ કવિવચન’. અવાજ, અવાજની સ્મૃતિ, પણ ક્યાં છે અવાજ ?

(૨) ‘ગીત અમે ગોત્યું ગોત્યુંને તોય ના જડ્યું ‘ એ કવિની વિફળતાના નહીં પણ તલસાટના સૂર સંભળાય છે.

એમ આ કાવ્યમાં ભાવકને કશુંક કાળપ્રવાહમાં ખોવાયેલું પુનઃ સાંપડે તો ધન્ય….અસ્તુ.

(કવિતાનાં સામયિક ” પદ્ય ” અંક ૮, ઓક્ટોબર- ડિસેમ્બર ૨૦૨૦માંથી સાભાર)

મૂળ પોસ્ટિંગ 20.3.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: