યોગેશ જોષી ~ આંબાને * રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * Yogesh Joshi * Rajesh Vyas Miskeen

આંબાને

પહેલવહેલકા

મરવા ફૂટે તેમ

મને સ્તનની કળીઓ ફૂટી

ત્યારે

મેં ડ્રોઇંગ-બુકમાં ચિત્ર દોરેલું

નાની નાની ઘાટીલી બે ટેકરી

અને વચ્ચે ઊગતો નારંગી સૂર્ય

mastectomy ના ઓપરેશન પછી

હવે એક જ ટેકરી

એકલી અટૂલી

શોધ્યા કરું છું,

શોધ્યા જ કરું છું

– રાતો સૂરજ…

~ યોગેશ જોષી

સ્ત્રીના સ્તન વિશે ઘણી કવિતાઓ લખાઈ છે. સ્તન વિશેના ઘણાં કાવ્યો તો માત્ર અને માત્ર ઇરોટીક (કામોત્તેજક) દ્રષ્ટિથી જ જાણે લખાયેલા છે. કાલિદાસથી લઇને આજ સુધીના કવિઓએ ઘણાં કાવ્યો લખ્યા છે પરંતુ કોઈ ઊંચાઈ કે ઊંડાઈ સિધ્ધ કરી શક્યા નથી. સંસ્કૃત કાવ્યોમાં આ સંદર્ભે સુંદર કાવ્યો મળે છે પણ… સ્ત્રીના સ્તન સાથે જોડાયેલી એક પીડા તરફ કદાચ ગુજરાતી ભાષામાં કોઈ સર્જકનું ધ્યાન ગયું નથી. તાજેતરમાં કવિ યોગેશ જોષીના નવ સંવેદન ચિત્રો વાંચ્યા. તેનું શિર્ષક છે ‘બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત’ કવયિત્રીની અંગત ડાયરીમાંથી.

સ્તન સ્ત્રીના સૌંદર્ય સાથે જોડાયેલું છે પણ એ જ સ્તનનું કેન્સર સ્ત્રીના જીવનમાં સૌથી મોટા આઘાત તરીકે પણ જોડાયેલું છે. એક કવયિત્રીને છાતીનું કેન્સર થાય છે અને પોતાનું હૃદય ક્યાં ઠાલવે ? અને તે પોતાની અંગત ડાયરી લખવાની શરૂઆત કરે છે. આ અંગત ડાયરી અને આ કાવ્યો એટલે કવિ યોગેશ જોષીનો પરકાયા પ્રવેશ આ કાવ્યોમાં ચિત્રો છે. કવિતા એ શબ્દોમાં દોરાયેલા ચિત્રો જ હોય છે. ખૂબ લાડકોડથી આંબો ઉગાડયો હોય અને એ આંબાને પ્હેલીવાર મ્હોર આવે, તેના એ ફૂલ ઉપર નાની-નાની કેરીઓ બેસે તેને મરવા કહે છે.

છોકરી પણ તરૂણી થાય છે ત્યારે તેને છાતીના સ્તનમાં ભરાવો થાય છે બદલાતા શરીર અને તેના મનોભાવો, હવે જીવનમાં જે ઊગવાના છે એ દિવસો, રોજેરોજ બદલાતી સંવેદના અને યુવાન છોકરીને થાય છે કે એ કોને કહું ? ડ્રોઇંગ બુકમાં આ આખી ઘટનાને ખૂબ સુંદર ઘાટીલી બે ટેકરીઓ અને વચ્ચે ઊગતા નારંગી સૂર્ય તરીકે મૂકીને એ દોરે છે. ટેકરી પાછળનો સૂર્યોદય બધાને જોવો ગમે છે. એ ઊગતો સૂરજ અનેક આશાઓ અને સપનાઓ લઇને આવ્યો હોય છે. જીંદગીનો આ એક તબક્કો છે.

કરૂણ વાસ્તવિક્તાનો એક બીજો પણ તબક્કો છે. માસ્ટેકટોમી એટલે કે સ્તનને દૂર કરવાની સર્જરી પછી જીવનમાં એક ખાલીપો સર્જાય છે. પેલી બે ટેકરીઓ હતી ને એમાંથી એક જ ટેકરી રહે છે. સાવ એકલી-અટૂલી. કેવી ભયાનકતા ! હવે એ સ્ત્રીના જીવનમાં કેવો ખાલીપો ? કવયિત્રીએ બીજું કશું જ નથી લખ્યું માત્ર એટલું જ લખે છે કે, હું મારો રાતો સૂરજ શોધ્યા કરું છું. એક સ્તન દૂર થવાની સાથે જ બધા જ સારા દિવસો આથમી જાય છે. જાણે જીંદગીનો સૂરજ જ આથમી જાય છે. કહે છે કે બ્રેસ્ટ કેન્સરમાં મૃત્યુની શક્યતા ઓછી છે.

હોસ્પિટલમાં બે સ્ત્રીઓ પાસે-પાસે દાખલ થયેલી છે. એક સ્ત્રીને મગજનું કેન્સર છે અને બીજી એક અભણ સ્ત્રીને છાતીનું કેન્સર છે. પેલી અભણ સ્ત્રી બ્રેઇન કેન્સરવાળી સ્ત્રીને કહે છે, બેન તમારે તો બહુ જ સારું હો… અડધું મગજ કાઢી નાંખે તોય ખબર ના પડે… આ વાક્યોમાં સ્ત્રીની સંવેદના ધબકે છે. તેની ખાલીપાની પીડા તેને આ બોલાવડાવે છે. નવ કાવ્યોમાં સ્ત્રીની સંવેદનાને ખૂબ જ મર્યાદા સાથે હૃદયને સ્પર્શી જાય તેવી ચોટ સાથે કવિએ રજૂ કરી છે. સંસ્કૃત સાહિત્યમાં કન્યાઓ પોતાના સ્તન ઉપર ચંદનનો લેપ કરતી હતી. પ્રિયતમને ધરવા માટે. આ કાવ્ય ગુચ્છમાં એક કવિતા એવી પણ છે જેમાં આ બ્રેસ્ટ કેન્સરવાળી સ્ત્રી પ્રશ્ન કરે છે કે જેમ કેસર કેરીને કાપીએ ને એમ ડોક્ટરે મારી ચામડી, ડીંટડી અને પછી પેશી-પેશી કરીને આખું સ્તન કાપી નાંખ્યું ? આ સ્તન કોને ધરવાનું હશે ? બાળક જન્મ્યું જ નથી. બાળકની ઇચ્છા અધૂરી જ રહી ગઈ પણ સ્વપ્નમાં બાળક આવે છે. અને એકબાજુ ધવડાવ્યા પછી એણે બીજી બાજુ લીધું અને પેલું ન જન્મેલું બાળક માતાનું બીજું સ્તન શોધતા-શોધતા જાણે ખાલીપો ધાવે છે.

યોગેશના આ સ્તન વિશેના કાવ્યોમાંથી પસાર થતા અનેકવાર અટકી ગયો. જીવનની આ કેવી કડવી સચ્ચાઈ ઉપર કવિએ કેટલી કાળજીથી કાવ્યો રચ્યા છે. સ્ત્રીને માટે સ્તન માતૃત્વ, સૌન્દર્ય, પતિનો પ્રેમ આમ ઘણું બધું છે. ઓપરેશન પછી પોતે ઘેર આવી છે. જીંદગીભરના ખાલીપાને લઇને. ક્યાંકથી થોડી સાંત્વન મળે, હૂંફ મળે એટલે પોતાના પ્રિયજનના દ્રઢ આલિંગનમાં એ સમાઈ તો જાય છે પણ એ અનુભવે છે કે હવે હૂંફ પણ અડધી અનુભવાય છે. ચંદ્ર સુદનો હોય કે વદનો હોય, અમાસ તરફ ગતિ કરતો હોય કે પૂનમ તરફ ગતિ કરતો હોય આઠમની કલા એકસરખી હોય છે.

આઠમ પછી ચંદ્રની વધઘટનો અનુભવ થાય છે. પણ અહીં એક બહુ જ સુંદર પંક્તિ દ્વારા એ તરફના ખાલીપાનો ઇશારો કરવામાં આવ્યો છે. હૂંફ અનુભવે છે ખરી પણ અજવાળી આઠમના ચંદ્ર જેવી. અજવાળી આઠમનો ચંદ્ર પૂનમ તરફ ગતિ કરે છે. પણ અહીં તો એક જ સ્તન છે. હવે પૂનમ પણ અમાસ જેવી છે. હવે પૂનમ આવશે ખરી પણ એ જીવનભર આઠમ જ રહેવાની છે. આ જ ભાવને પ્રગટ કરતું આ કાવ્ય ગુચ્છનું એક વધુ કાવ્ય જોઇએ. લઘુકાવ્યમાં કેવી અસીમ પીડા છુપાયેલી છે તેનો પરિચય થાય છે. સાંત્વના…

કંઇક / સાંત્વન પામવા, / કંઇક / હૂંફ મેળવવા / છેવટે / પ્રિયજનના / દ્રઢ આલિંગનમાં / સમાઈ તો ગઈ, પણ…/ હૂંફ પણ / હવે / અડધી ? !  / અજવાળી આઠમના / ચંદ્ર શી ? !

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

**********

સૌજન્ય : શબ્દ સૂરને મેળે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન

મૂળ પોસ્ટીંગ 2.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: