રક્ષા શુક્લ ~ કેમ ટાળી?

કેમ ટાળી? ~ રક્ષા શુક્લ
હોઉં હું એવું ઝાડવું મને કોઈ ન ફૂટે ડાળી !
આંખની આડા પાન કરીને કેમ વસંતે ટાળી ?
વનમાં લીલા લોકની આંખે નામ મારું એક ઝાડ,
કેમ કહું મારા ભાગમાં બેઠી, પાંદડું નહીં, રાડ !
ડાળ નહીં, ડાળખીયે નહીં, એક પગે ઊગાડ,
ટાંકણું લે ઝટ્ટ, લીમડો નહીં, ચાલ કરી દે તાડ.
કાંકરી માની કેમ અહીં-ત્યાં, ઉપર છેક ઊછાળી ?
આંખની આડા પાન કરીને કેમ વસંતે ટાળી ?
મૂળમાં મને ધ્રાસકો પડે, પંખી બેસે તાર,
ભમરો આવી અમથું અડી સાચવી લે વે’વાર.
ટહુકા ‘ને ફૂલ-પાનના અરથ સાત સમંદર પાર,
નહીં લીલેરા ઠાઠની વચ્ચે ફોરમનો અણસાર.
પડખે ઊભો પલાશ ઢળે, કેમ દઉં હું તાળી ?
આંખની આડા પાન કરીને કેમ વસંતે ટાળી ?
~ રક્ષા શુક્લ
વેદના સુકકા રહેવાની છે, નહીં ખીલવાની છે….. પ્રતીક તાડનું. તાડ વધ્યે જાય છે, ઊંચો ને ઊંચો…. કોઈને છાયા દીધા વિના, જરા સરખી ખુશ્બુ વેર્યા વિના…. ઊંચે જઈને એણે માત્ર તડકો વેઠવાનો છે…. અરે, એના પાનની લીલાશ કોઇની આંખ ઠારવા જેટલીય કામની નહીં…. કવિના કાવ્યમાં આ તાડની પીડા છે…. ફૂલના માધ્યમે નહીં ખીલી શકેલા માનવીનીય પીડા એવી વણાઈ ગઈ છે !! જો કે આવા માનવીઓ કંઈ કેટલાનો છાયો બનતા હોય છે એય ખરું….
‘કેમ કહું મારા ભાગમાં બેઠી, પાંદડું નહીં, રાડ !’ અહીં પ્રાસના વિનિયોગે એટલી તીવ્રતા નીપજે છે કે આવી પીડાને વાતનેય વ્હાલ થઈ જાય ! તો ‘પડખે ઊભો પલાશ ઢળે, કેમ દઉં હું તાળી ?’ આ કલ્પન પણ કેટલું સૂઝબૂઝ ભર્યું આવ્યું છે ! અને ‘આંખની આડા કાન’ જેવા જાણીતા રૂઢિપ્રયોગમાં કેવું હળવેથી ‘પાન’ પરોવી દીધું છે ! વાહ કવિ !
ખૂબ રાજીપો, લતાબેન, આપને કાવ્ય ગમ્યું….
ગમે જ ને ! સરસ કાવ્ય છે.