ગીત : જુગલકિશોર વ્યાસ

ગીત:કાવ્યજગતનુંમધુરતમગેયઉર્મીકાવ્યજુગલકિશોરવ્યાસ                                        

માત્રામેળ છંદોનો એક પ્રકાર તે લયમેળ છંદ (ગીત, પદ, ભજન)

છંદોબદ્ધ કાવ્યોમાંના ‘અક્ષરમેળ વૃત્તો’માં જેમ એક પંક્તિમાંના અક્ષરોની ગણતરી હોય છે તેમ “માત્રામેળ છંદો”માં પંક્તીમાંની કુલ માત્રાઓની સંખ્યાની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદોમાં સંખ્યામેળ અને લયમેળ એવા પ્રકારો પણ છે. લયમેળ છંદોમાં ખાસ કરીને ગીતો, પદો, ભજનો વગેરે આવે છે. 

છાપકામની સગવડો નહોતી ત્યારે પદ્યરચનાઓ કંઠોપકંઠ વહેતી અને એ રીતે સૌને યાદ રહી જાતી. પંક્તીઓ, કડીઓ (અંતરા) જ નહીં પણ આખું ગીત યાદ રાખવા માટેની બહુ સરસ યોજના એટલે ‘પ્રાસયોજના’ ! 

ઉર્મીકાવ્યોમાં ભાવ કે વીચારની સળંગસુત્રતા બહુ જરુરી હોય છે. સોનૅટમાં તો ભાવ કે વીચારના લગભગ ફકરા કહી શકાય તેવા સ્પષ્ટ ભાગ જોવા મળે છે, કારણ કે તે લગભગ અનીવાર્ય ગણાયા છે. ગીતોમાંની આ પ્રાસ યોજના આ દૃષ્ટીએ ખાસ સમજવા જેવી હોય છે. અંત્યાનુપ્રાસ વીનાની ગીતરચના લગભગ નથી હોતી એમ કહીએ તો ખોટું નહીં.

ગીતના મુખ્ય વીભાગો અને પંક્તીનું માપ : 

૧. ધ્રુવપંક્તી ૨. અંતરો ૩. પ્રાસ

માપ : 

અક્ષરમેળમાં જેમ અક્ષરોની સંખ્યા અને માત્રામેળમાં જેમ માત્રાની સંખ્યા હોય છે તેમ ‘ગીત’ની દરેક પંક્તીમાં તેના રાગને અનુરુપ નક્કી થએલા ‘તાલ’ હોય છે. આ તાલ (તાલી)નું નક્કી થએલું સ્થાન ગીતનું માપ નક્કી કરે છે. 

ધ્રુવપંક્તી :

ગીતની પ્રથમ પંક્તીને ધ્રુવપંક્તી અથવા મુખડું કહેવાય છે. ગીતનો મુખ્ય ભાવ કે વીચાર આ પંક્તીમાં જ મોટેભાગે પ્રગટ થઈ જતો હોય છે. 

દા.ત. “મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ.”

સહાયક પંક્તી : 

ધ્રુવપંક્તીની તરતની પંક્તી તે આ. આ બન્ને પંક્તીઓ (ધ્રુવ અને સહાયક) પરસ્પર અંત્યાનુપ્રાસથી જોડાએલી હોય છે. 

દા.ત. “ઝેર તો પીધાં છે જાણી જાણી” તે ધ્રુવપંક્તી ગણીએ તો “નથી રે પીધાં મેં અજાણી” તે સહાયક પંક્તી ગણાશે.

દા.ત. “વસત ગૈ રે વીતી” (ધ્રુ.પં.)  ક્યાં છે  કોકિલની  કલગીતિ ? (સ.પં.)

અંતરો :

અંતરો એટલે ગીતમાંનું બે, ત્રણ કે ચાર પંક્તિનું ઝુમખું, એક યુનીટ, એક કડી. દરેક અંતરો એક નવા વિચાર કે ભાવને પ્રગટાવે છે અને સાથે સાથે કાવ્ય-ગીતના મૂળભૂત ભાવને પણ વશ રહે છે. દરેક અંતરો લગભગ સ્વતંત્ર હોય તેમ જણાય છે. પરંતુ તેની છેલ્લી પંક્તીના પ્રાસ દ્વારા તે સહાયક પંક્તીની જેમ ધ્રુવપંક્તી સાથે જોડાઈ જાય છે ! ગીત ગાનાર ગાયક અંતરો ગાયા પછી તરત જ અનીવાર્યરુપે ધ્રુવપંક્તી પણ ગાય છે. આને કારણે શ્રોતાઓ ગીતના પ્રમુખ ભાવનું અનુસંધાન કરીને ગીતનાં મુખ્ય ભાવ–ઉર્મીને ઘનીભુત થતાં અનુભવે છે !! 

(ગઝલમાં એવું નથી. એમાં તો એક શેરને બીજા શેર સાથે કોઈ સંબંધ જરુરી ગણાતો નથી ! આખી ગઝલ તેના જુદા જુદા શેર મુજબ અનેક વિચાર-ભાવ પ્રગટાવે છે ! ઘણી વાર તો મુખ્ય શીર્ષકને તે શેર વફાદાર પણ જણાતા નથી.)

અંત્યાનુપ્રાસ :

ધ્રુવપંક્તીનો અંતીમ શબ્દ અને અંતરા (કડી)ની છેલ્લી પંક્તીનો છેલ્લો શબ્દ પ્રાસથી જોડાએલા રહે છે. આ પ્રાસ અત્યંત જરૂરી ગણાય છે. પંક્તીને છેવાડે આવતો હોવાથી એને અંત્યાનુપ્રાસ કહે છે. 

ઉપરાંત દરેક કડીની બન્ને કે ત્રણેય પંક્તીઓના પણ અંતીમ શબ્દો એકબીજી સાથે જોડાએલા હોય છે. આ જોડાણ પણ અંત્યાનુપ્રાસ કહેવાય છે અને પંક્તીઓને યાદ રાખવા માટે બહુ ઉપયોગી બની રહે છે.

મધ્યાનુપ્રાસ :

ઘણા સર્જકો કડીની બન્ને કે ત્રણેય પંક્તીઓની મધ્યમાંના શબ્દો વચ્ચે પણ પ્રાસ યોજીને રચનાનું નકશીકામ કરે છે ! આ પ્રાસ અનીવાર્ય નથી હોતો છતાં હોય છે ત્યારે તેવી કડીનું ગાન શ્રોતાઓને ખુબ અસર કરે છે.

હવે આપણે ગીતના ત્રણ નમુના લઈને આ વીષયને ન્યાય આપવા પ્રયત્ન કરીએ :

૧. વસંત ગૈ રે વીતી

ક્યાં છે  કોકિલની  કલગીતિ ?

હિમાદ્રિને  હિમ હિંડોળે મલય પવન જૈ પોઢ્યો;

ડાલ ડાલ રે અવ   નહીં ડોલે અગન અંચળો ઓઢ્યો;

ક્યાં  છે પલાશની ફૂલ પ્રીતિ ? 

ઊડે  અબીલ  ગુલાલ  નહીં, નહીં   રંગરંગની  જારી;

નભની  નીલનિકુંજ મહીં, રે નહીં  કેસરની  ક્યારી;

રે   અવ  ધૂળે   ધૂસર  ક્ષિતિ !  — નિરંજન ભગત. 

શ્રી ભગતસાહેબના ઉપર આપેલા કાવ્યનો પ્રથમ અંતરો જોઈશું તો ખ્યાલ આવશે કે તેમણે અંતરાની બન્ને પંક્તીઓના બબ્બે ટુકડા કર્યા છે એટલું જ નહીં પણ પ્રથમ અને ત્રીજી તથા બીજી અને ચોથી પંક્તીઓનો પ્રાસ મેળવ્યો છે. બન્ને પંક્તીઓને સળંગ રીતે જોઈશું તો ખયાલ આવશે કે તેમાં મધ્યમાં પણ પ્રાસ યોજના કરી છે. જ્યારે અંતીમ (પાંચમી)પંક્તીનો પ્રાસ ધ્રુવપંક્તી સાથે જોડ્યો છે. (ભગતસાહેબનાં ગીતકાવ્યોમાં પ્રાસ યોજના બહુ જ ધ્યાન ખેંચનારી હોય છે. આ યોજના ભલે અનીવાર્ય ગણાતી નથી પરંતુ કેટલાક સર્જકોનું નકશીકામ જ એવું હોય છે કે તે એક કીમતી અલંકાર બની રહે છે !)

શ્રી ચંદ્રકાંતભાઈના નીચે બતાવેલા ગીતમાં પ્રાસ યોજના સાવ જુદી જ જાતની છે. 

૨. વસંત આજે પોઢે.

પવન-કાંધ પર ચડ્યો જનાજો કોયલ ગાય  મરસિયા !

ઝાકળની  આંખોમાં અનગળ  બારે  મેઘ  વરસિયા !

બહાવરી  મંજરી  શિર પટકે  ને ભમરાઓ  દુ:ખ જલ્પે !

રડી રડીને લાલ  સૂઝેલી આંખે  ખાખર  વિલપે !

પરિમલનાં  રેશમી  કફનોને લપટી અંગે ઓઢે !

ફૂલ ફૂલની કબરોમાં  ઊંડે  વસંત  આજે  પોઢે !  – ચંદ્રકાન્ત ટોપીવાળા

એમણે બીજી અને ચોથી પંક્તીઓનો પ્રાસ મેળવ્યો છે પણ પ્રથમ અને ત્રીજી પંક્તીઓનો મેળવ્યો નથી. એનો એક ખુલાસો એ હોઈ શકે કે, એમણે ભલે લખવામાં પંક્તીના ટુકડા બતાવ્યા હોય પણ સાંભળવાની દૃષ્ટીએ કાનને સળંગ પંક્તી જ સંભળાવાની હોઈ એને બે જ પંક્તી ગણીને અંત્યાનુપ્રાસ સાચવ્યો છે ! 

પવન-કાંધ પર ચડ્યો જનાજો / કોયલ ગાય  મરસિયા !

ઝાકળની   આંખોમાં   અનગળ    /  બારે   મેઘ    વરસિયા !

આ કાવ્યની બીજી ખુબી એ છે કે, એમાં ધ્રુવપંક્તી બતાવાઈ જ નથી ! શીર્ષકપંક્તી પછી સીધો જ કાવ્યનો ઉપાડ કર્યો છે. આને કારણે કાવ્ય દરેક અંતરા બાદ પાછું ધ્રુવપંક્તી પાસે અવાતું નથી. (એની જરુર પણ નથી.) છતાં ત્રીજા અંતરામાં તો ઓઢે અને પોઢેની પ્રાસ યોજના જ એવી કરી છે, જે ધ્રવપંક્તી સાથે જ બંધબેસતી થઈ જાય છે અને તેથી કાવ્યના છેલ્લા ત્રીજા અંતરા પછી શીર્ષક પંક્તી આપણને વીષય તરફ ખેંચી જાય છે ને એમ કાવ્યનો ભાવ–વીષય સંબોધીત થાય છે.

હવે જોઈએ સુંદરમની એક ગીતરચના :

૩.  

ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજેગુંજે.

આંખ ખુલી અમ અહીંયાં પહેલી, પગલી ભરી હ્યાં પહેલી,             

અહીં  અમારા  યૌવન  કેરી  વાદળીઓ વરસેલી…..ગુર્જરીના.

અહીં  શિયાળે  તાપ્યાં સગડી, કોકીલ સુણી વસંતે,

અષાઢનાં ઘનગર્જન  ઝીલ્યાં, ઝણઝણતા ઉરતંત્રે….ગુર્જરીના.

અમે  ભમ્યાં  અહીંના ખેતરમાં,  ડુંગરમાં કોતરમાં,

નદીઓમાં   નાહ્યા, આળોટ્યા કુદરત-પાનેતરમાં….ગુર્જરીના.

અહીં  અમારાં  તનધન  અર્પ્યાં, પૌરુષપુર સમર્પ્યાં,

આ  જગવાડી  સુફલીત   કરવા, અમ અંતરરસ અર્ચ્યાં…ગુર્જરીના.

અમે  અહીં  રોયા  કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા,

જીવનજંગે  જગત  ભમ્યા  પણ વીસર્યા નહીં ગૃહમાયા….ગુર્જરીના.   – સુન્દરમ

ગીતમાં રાગ અને તાલ હોય. એમાં માત્રા કે અક્ષરના નીયમો ન હોય. પણ પ્રાસ યોજના એનું બહુ મહત્ત્વનું પાસું છે. આ ગીતમાં કવીએ એક નવી રીત અપનાવી છે : અહીં પ્રાસ પ્રથમ પંક્તીના બે ટુકડા કરીને બંનેને પ્રાસથી અલગ પંક્તી તરીકે મુકી છે. બીજી પંક્તીને લખવામાં ટુકડો લાગે પણ હકીકતે પ્રાસ મેળવ્યો ન હોઈ એક જ પંક્તી તરીકે તે ગણાય.

પરંતુ કવીએ પ્રથમ ટુકડાનો, બીજા ટુકડાનો ને બીજી પંક્તીનો અંત્યાનુપ્રાસ યોજીને અંતરો બનાવ્યો છે પણ ધ્રુવ પંક્તી સાથે એને પ્રાસથી નહીં જોડીને જાણે કે એનું મહત્વ ઘટાડ્યું હોવાની શંકા થાય છે ! 

ગીતમાં સામાન્ય રીતે અંતરાની અંતીમ પંક્તીનો પ્રાસ અચૂક રીતે ધ્રુવપંક્તી સાથે હોય જ ! આમાં એ નથી. તેમાં દરેક અંતરાની છેલ્લી પંક્તીનો પ્રાસ ધ્રુવપંક્તીને મળતો જ નથી !! ગાનારાઓને ને સાંભળનારાંઓને આ વાત ખટકે તો નવાઈ નહીં. કાવ્યના શબ્દો, કાવ્યનો લય ભાવકને પ્રબળ રીતે ખેંચી જાય તેવી આ રચના છે. એટલે ધ્રુવપંક્તીના પ્રાસનો અભાવ જલદી ધ્યાને ચડતો નથી. એનું બીજું પણ એક સબળ કારણ છે ! આ કાવ્યની પ્રાસયોજના ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે એમાં પ્રથમ, બીજી અને ચોથી પંક્તીઓને પ્રાસથી જોડીને બહુ મોટી અસર ઉભી કરી દીધી છે ! ગઝલના એક પ્રકારમાં આ યોજના જોવા મળે છે. ચાર પંક્તીના મુક્તકોમાં પણ આ પ્રાસ યોજના હોય છે.

ભજન, પદ, ગરબી જેવાં મધુર ઉર્મીકાવ્યો સાહીત્યજગતનાં અણમોલ રત્નો હતાં અને આજે પણ ભાવકો એનું આકંઠ પાન કરે છે. ગઝલ અને અછાંદસ રચનાના નામે વહી રહેલા પ્રવાહોના ધસારા વચ્ચે ગીતને જીવતું રાખવાનું છે તે વાત ભુલવા જેવી નથી !

અસ્તુ ! 

(લેખક ઊંઝા જોડણીમાં લખે છે એટલે લખાણ યથાવત રાખ્યું છે.)

મૂળ પોસ્ટીંગ તા. 17.9.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: