અછાંદસ વિશે વિદ્વાનો

પરંપરાએ કવિને છંદ બહાર જવાની છૂટ આપી છે એવું રા.વિ.પાઠક ‘બૃહત પીંગળ’માં નોંધે છે, પરંતુ મોટા ભાગના વિવેચકોએ છાંદસ અભિવ્યક્તિનો વિકલ્પ સ્વીકાર્યો છે. પ્રિન્સ્ટન એન્સાયક્લોપીડિયા કહે છે કે સંવાદિતા વ્યવસ્થા માટેની વૃત્તિ જન્મજાત છે. એરિસ્ટોટલે અનુકરણ અને સંવાદિતા માટેની વૃત્તિને જન્મજાત ઓળખાવી હતી. ગુજરાતીમાં જ્યારે છંદનો પ્રશ્ન વિચારીએ ત્યારે અક્ષરમેળ વૃત્તો ગુજરાતી ભાષાની પ્રકૃતિને અનુકૂળ નથી એવી એક માન્યતા છે અને છતાં સુધારકયુગથી અત્યાર સુધી, બધા પ્રકારના છંદોમાં આપણા કવિઓ રચના કરતાં આવ્યા છે. વિશિષ્ટ પ્રકારની યુગચેતનાને લીધે ગુજરાતી કવિ અછાંદસ તરફ વળ્યો એવું હરિવલ્લભ ભાયાણી કહે છે, સાથે સાથે અછાંદસ તરફ ગતિ કરનારા – અછાંદસમાં રચનાઓ કરનારા, 1955ની આસપાસના બધા કવિઓ પરંપરાગત સ્વરૂપો પર પ્રભુત્વ ધરાવતા હતા. જે ગુલામ મોહમ્મદ શેખ સાથે અછાંદસને વિશેષ સાંકળીએ છીએ તેમણે પણ અનેક ગેય રચનાઓ કરી હતી. આજના કવિઓ પાછા છાંદસ (અક્ષરમેળ વૃત્તો સમેત) તરફ વળ્યા છે તેમાંય ચંદ્રકાંત ટોપીવાળા તો પ્રમાણમાં ઓછા પ્રચલિત અક્ષરમેળ છંદોમાં રચનાઓ કરી રહ્યા છે. અછાંદસનું હાર્દ ન સમજવાને કારણે અતંત્રતા જન્મી, કૃતક રચનાઓ મોટી સંખ્યામાં ઉભરાઇ આવી, જો ચિત્ર આવું હોય તો છાંદસ અભિવ્યક્તિ ઉપર પણ સાથે સાથે ભાર મુકાતો થાય તે સરવાળે કવિતાના લાભમાં છે. – શિરીષ પંચાલ (વિવેચનપોથી, 1)

આપણે છંદશાસ્ત્રમાં એ સ્વીકારવું જોઈએ કે કવિને એ પ્રમાણે કોઈક જ વાર નિયત સ્વરૂપની બહાર જવાની પણ છૂટ રહેલી છે. આ છૂટ કે અપવાદ છે અને કુશળ કવિ જ આ છૂટનો સુંદર ઉપયોગ કરી શકે છે. જેને છંદનું પૂરું સ્વાભાવિક પ્રભુત્વ છે અને જે ભાવ, ભાષા અને છંદનો માર્મિક સંબંધ જાણે છે તે જ આ છૂટ લઈ શકે. – રામનારાયણ પાઠક (બૃહત પિંગલ 267)

અછાંદસ કૃતિ દ્વારા આપણે ગદ્ય નથી માગતા, કાવ્ય માગીએ છીએ. કવિએ કાવ્યમાં ઉત્કટતા, તીવ્રતા સાધવાની છે. ગદ્યની પણછ આકર્ણ ખેંચાતી નથી. શિથિલ રહે છે જ્યારે કાવ્ય તો તંગ પણછે ચડીને જ નિશાન વીંધે છે. – જયંત પાઠક (ભાવયિત્રી 29)

‘અછાંદસનો સાતમો કોઠો ભેદવા સુધી પહોંચવા માટે પહેલાં છંદના છ કોઠા ભેદવા અનિવાર્ય છે. કાવ્યાભિવ્યક્તિનું યુદ્ધ છંદના શક્તિશાળી આયુધનો ઉપયોગ કર્યા વિના ખેલનારે તે કેવડું મોટું જોખમ ખેડે છે એ બાબતમાં પૂરતા સભાન હોવું ઘટે.’ – હરિવલ્લભ ભાયાણી (કાવ્યનું સંવેદન 160)

અછાંદસ કાવ્ય વિશે થોડા અભિપ્રાયો

દિશાનિર્દેશ કરવા બદલ આભાર કવિ શ્રી મણિલાલ હ. પટેલ       

મૂળ પોસ્ટીંગ તા. 27.8.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: