રાવજી પટેલ ~ અરે, આ ઓચિંતું * Ravji Patel

અરે, આ ઓચિંતું ~ રાવજી પટેલ

અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

~ રાવજી પટેલ

અચાનક થયેલ પત્નીનો સ્પર્શ રોમાંચ જગાવે છે અને એનું રોમહર્ષક ચિત્રણ. પણ કવિતા માત્ર એ સ્પર્શે થયેલી ઉત્તેજનાની નથી. યૌવનના ઉન્માદને વહાવી દઈને અંતે દાંપત્યજીવનનું સત્ય કેટલી ભાવપૂર્ણ રીતે ઊઘડે છે !

પતિ-પત્નીના સંબંધમાં આ પડાવ લગભગ આવતો જ હોય છે જ્યારે એકબીજા માટે અભાવ ઊભો થઈ જાય. સંબંધની ભીનાશ ખતમ થઈ જાય અને શુષ્કતા પ્રવેશી જાય. સ્વાભાવિક છે કે શારીરિક સંબંધોમાં પણ આવે સમયે ઓટ આવી જ જાય. સરવાળે, મૂળીયાં ભલે મજબૂત હોય પણ સંબંધનો દેહ મરવા પડે છે. કોઈ એક જો પહેલ કરે તો આ સ્થિતિમાંય ફરીથી નવજીવન રેડી શકાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: