ગરબો, ગરબી, રાસ, રાસડા : અરવિંદ બારોટ

ગરબો, ગરબી, રાસ, રાસડા.. – અરવિંદ બારોટ

રાધાજીનાં ઊંચા મંદિર નીચા મોલ 

ઝરૂખડે દીવા બળે રે લોલ..

રાધા ગોરી ગરબે રમવા આવો

સાહેલિયું ટોળે વળે રે લોલ..

એક સામટા ૩૦-૪૦ જેટલા નારી સ્વરોથી શેરી ‘ને ચોક લીંપાતા હોય..કુંડાળે ઘૂમતી રમણીઓના ઘેરા વચાળે લાકડાની માંડવડી (ગરબી) પધરાવી હોય…ગરબી આગળ તેલ અને કપાસિયાથી ઝડાસ બળતી જ્યોતનાં અજવાળાં રેલાતા હોય..અને એ અજવાળે રૂપાળા-નમણા મુખડાં પર રતાશ ઘૂંટાતી હોય…પગની ઠેસે ધરણી ધમધમતી હોય..તાળીના તાલના પડછંદા ગગનગોખમાં ઝીલાતા હોય…માંડવડીમાં પધરાવેલા ગરબાના છીદ્રોમાંથી રેલાતા પ્રકાશકિરણોથી આખું આભ ચોકમાં ઊતર્યું હોય.. 

આવું દ્રશ્ય જોનારનાં આંખ,કાન અને ચિત્ત એકરૂપ-એક રંગ-એકરસ થઇ જતાં હોય…

આવું સૌરાષ્ટ્ર-ગુજરાતના ગામ/નગરની શેરીઓમાં બનતું….

આસો મહિનાની શરૂઆતની નવે નવ રાત્રે….

બહુ દૂરની વાત નથી…પાંચેક દાયકા પહેલા આવી રીતે ઉજવાતાં માનાં નોરતાં…

નોરતામાં રોજ રાત્રે આસ્થાનો ગુલાલઊડતો… ધરમ-કરમનો ધૂપ ભભૂકતો…આસ્થા ચારેય કાંઠે છલકાતી…

ધર્મ આખરે તો સંસ્કૃતિનું એક ધારક પરિબળ છે અને સંસ્કૃતિ તો વહેતો પ્રવાહ છે.સ્થિરતા કે વાસીપણું પ્રકૃતિ કે સંસ્કૃતિમાં સંભવ જ નથી. એ ન્યાયે નવરાત્રિ ઉત્સવની ઉજવણીમાં પણ પરિવર્તન આવે જ. કોઈ પણ ઉત્સવનું પ્રયોજન અને પરિણામ તો ઉમંગ જ હોય છે. ઊર્મિ અને ઊર્જાની અભિવ્યક્તિ દ્વારા આનંદની પ્રાપ્તિ જ હોય છે..એમાં ધાર્મિક નિમિત્ત ભળે એટલે સમગ્ર ઉજવણી સાત્વિક બની રહે છે.   

વિશ્વમાં જવલ્લે જ હોઈ શકે એવા સળંગ નવનવ રાત્રિના આ ઉત્સવની વિશિષ્ટતા છે નૃત્ય અને ગીત દ્વારા થતી માતૃશક્તિ-આદ્યશક્તિની ઉપાસના.

આ નૃત્ય પણ ગરબો, અને ગીત પણ ગરબો..

ઉપાસના માટે શક્તિનું પ્રતીક-છિદ્રો વાળો માટીનો કુંભ, અને કુંભમાં પ્રજળતી જ્યોત એ પણ ગરબો..

એક જ્યોતમાંથી અનેક જ્યોત પ્રગટે એવા પ્રકાશના વિસ્તારનું, આ પર્વ…

આદિશક્તિને રીઝવવાનો-નૃત્ય અને ગીતથી જીવતરના ખૂટતા રંગ-રસ ઉમેરવાની માનવજાતની આદિકાળની ઝંખનાનો આ તંતુ આજે પણ અતૂટ છે.

શક્તિપૂજા વેદકાળ અને એનાથી પણ પહેલાનાં કાળથી ચાલી આવે છે. ૬૦૦૦ વર્ષ પહેલાંની મનાતી મોહેન-જો-દરોની સંસ્કૃતિના અવશેષોમાંથી મળેલા શિવલિંગ અને દેવીની મૂર્તિઓ પરથી માની શકાય કે અનાર્યોમાં શિવ અને શક્તિની ઉપાસના સમાંતર  ચાલી આવે છે. (પ્રચલિત ઇતિહાસ મુજબ ભારતની મૂળ પ્રજા એટલે અનાર્યો)

આદ્યશક્તિને  સ્વયંભૂ, સૃષ્ટિની સર્જક,પાલક અને સંહારક કલ્પવામાં આવી છે. માનવીએ તો એનું વાત્સલ્યપૂર્ણ માતૃસ્વરૂપ જ વહાલું ગણ્યું છે. ઉષ્મા,ઊર્જા અને તેજની દાતા જ્યોતને મહામાયાનું સ્વરૂપ ગણવામાં આવે છે. ભક્તિ તો એકાંતમાં બેસીને થાય એવી શિક્ષા-દીક્ષા જનસામાન્યને પરવડતી નથી. સંઘજીવન, ઉત્સવ અને આનંદ વિના તો ભક્તિ પણ શુષ્ક-Boring લાગે. નવનવ રાત્રિઓનો નૃત્ય,ગીત અને સંગીતથી ભર્યોભર્યો આ ઉત્સવ નવા નવા રૂપરંગ સાથે વધુ ને વધુ વ્યાપક બનતો જાય છે…

કાળક્રમે ઘાટ બદલાતો જાય છે. નવરાત્રિએ હવે માત્ર ધાર્મિક ઉત્સવ ન રહેતાં ‘સાંસ્કૃતિક પર્વ’નો વળોટ પકડ્યો છે. આ એક સહજ પરિવર્તન છે.

પણ..એક વાત અફર છે કે કોઈ પણ સમયખંડમાં નવરાત્રિ ઉત્સવનું પ્રાણતત્વ તો ‘ગરબો’ જ રહ્યું છે અને રહેશે. કારણ કે નિમિત્ત વિના ઉત્સવ ન હોય અને આ એક સદીઓથી ઘૂંટાયેલું પ્રાણવાન- બળવાન અને તેજસ્વી નિમિત્ત છે. ગરબાની બાદબાકી થાય તો એ માત્ર Dance Festival બની રહે.

આ ગરબો શું છે ?

છીદ્રોવાળી માટલીમાં પ્રગટાવેલો દીવો એ ગરબો. 

માતાજીની ઉપાસના અર્થે વર્તુળાકારે થતા નૃત્ય સાથે જે ગીત ગવાય તે ગરબો. એટલે એ તો સ્પષ્ટ છે કે ગરબો શક્તિની આરાધના સાથે સંકળાયેલો છે. આ ગરબો શબ્દ આવ્યો ક્યાંથી ?

‘ગર્ભદીપ’ પરથી ‘ગરબો’ શબ્દ બન્યો એવા મંતવ્યો અનેક વિદ્વાનોએ આપ્યા છે. જે આજ સુધી સર્વમાન્ય રહ્યા છે. પૂર્વજ સાક્ષરો પ્રત્યે સંપૂર્ણ આદર સાથે હું આ અર્થઘટન અસ્વીકૃત ગણું છું. ગર્ભ શબ્દ પરથી ગરબો થઇ શકે પણ દીપ શબ્દનો છેદ શા કારણથી  ઊડી જાય એ સમજાતું નથી. ‘ગર્ભદીપ’ સંસ્કૃત શબ્દ છે અને આપણા ગરબાનો પુરાણોમાં ક્યાંય ઉલ્લેખ પણ નથી, તો ગરબાનો મૂળ સંસ્કૃત શબ્દ ક્યાંથી મળ્યો ? હા,રાસ વિષે ઘણા સંદર્ભો પુરાણોમાં છે. આશરે ૨૭૦૦ વર્ષ પૂર્વેના ‘ઐતરેય આરણ્યક’માં જળ ભરેલા કુંભ લઈને જતી દાસીઓ જમણા હાથથી જમણા સાથળ પર થાપા મારતી જાય અને જળકુંભની પ્રદક્ષિણા કરે છે એવું વર્ણન છે. ઘડામાં દીવો હોય એવા ગરબાનું અનુસંધાન સંસ્કૃતમાં ક્યાંય મળતું નથી.

ગરબો લોકજીવનની જ નીપજ હોય એ વધુ પ્રતીતિકર લાગે છે.

ગરબામાં ગવાતા ગીતો જે શક્તિની ઉપાસના, કથા કે સ્વરૂપવર્ણનના હોય એને જ ગરબો કહેવાય પરંતુ આવા પ્રાચીન ગીતોનું પ્રમાણ ઘણું અલ્પ છે. એટલે ગરબામાં બીજા ગીતો પણ ગવાતાં. સૌ પ્રથમ ગરબા લખનાર વલ્લભ મેવાડો ગણી શકાય. (અંદાજિત સમયકાળ: ૧૬૪૦-૧૭૫૧) દાસ વલ્લભના ગરબા જ પરંપરાગત મૂડીમાં ઉપલબ્ધ છે. શિષ્ટ સાહિત્યમાં દયારામ, નાનાલાલ, બોટાદકર, મેઘાણી જેવા સર્જકોની રચનાઓ આવી. પણ, મેઘાણી અને દયારામ સિવાય કોઈનાં ગીતો લોક્ધન ન બની શકયા.

છેલ્લા બે-ત્રણ દાયકાથી ગરબાનું વ્યાપારીકરણ થવાના કારણે સજ્જતા અને સમજણ વિનાના કેટલાક ગાયકોએ ગરબાને વિકૃત કર્યો. છીછરા, હલકા અને પોતાને આવડે/ફાવે એવા ઢંગધડા વગરના ગીતોથી નવરાત્રિને તમાશાનું રૂપ આપી દીધું. સમજણ, નિષ્ઠા અને જવાબદારી સમજનારા કેટલાક આધુનિક કલાકારોએ ગરબાને સમૃદ્ધ પણ બનાવ્યો છે. પરિવર્તન અનિવાર્ય છે. એનો વિરોધ ન જ હોય. સંસ્કૃતિ બંધિયાર ન હોઈ શકે. પણ..પરંપરા અને મુલ્યોની સમૂળગી અવગણના તો અધોગતિ નોતરે છે એ પણ ન ભૂલવું જોઈએ. ધાર્મિકતાનો આગ્રહ ન રાખીએ, પણ નિર્બંધ યુવાનીને લપસણા માર્ગે દોરી જાય અને માતાજીના નોરતાને અભડાવે એવી આધુનિકતા સરવાળે તો શાપ સાબિત થાય છે. ગયા દસકામાં ઘણા પરિવારો એનાં માઠા પરિણામો ભોગવી ચૂક્યા છે. અહીં સવાલ સંકુચિતતા કે મુક્ત વિચારસરણીનો નથી, પરંપરાના આદર અને ગૌરવનો છે. આધુનિકતાના નામે વરવી જીવનરીતિ ન જ અપનાવાય.

ગરબો અને ગરબી

નોરતામાં સ્ત્રીઓ દ્વારા લેવાય તે ‘ગરબો’ અને પુરુષો લે તે ‘ગરબી’.

ગરબામાં માતાજીના મહિમાના ગીતો હોય છે.

ગરબીમાં કૃષ્ણની રાસલીલા, દાણલીલાના ગીતો હોય છે. દયારામની ગરબીઓ પ્રચલિત છે.

નવરાત્રિ સિવાયના ધાર્મિક ઉત્સવો અને સામૈયામાં ગરબી લેવાય છે.

રાસ અને રાસડા..

ગરબો, ગરબી, રાસ, રાસડા, દાંડિયારાસ, હમચી,હીંચ, હૂડો- આ બધાં ભિન્નભિન્ન પ્રકારના લોકનૃત્યો છે. રાસ સ્ત્રીઓ અને પુરુષો સાથે પણ રમે છે. રાસડા ફક્ત સ્ત્રીઓ રમે છે. રાસડામાં  પ્રેમ, વિરહ, શૃંગાર, કુટુંબભાવના, સુખ-દુખ, કલહ જેવા ભાવવિશેષના ગીતો હોય છે. જે લોકગીતો તરીકે ઓળખાય છે.

(લોકગીતોમાં રાસડા ઉપરાંત હાલરડાંથી માંડીને મરસિયા સુધીના ભાવવૈભવનું સમૃદ્ધ વિશ્વ છે.

લોકગીતો તો લોકજીવનના આત્માની તસવીર છે.)

દાંડિયારાસ                                                    

ગોકુળના ગોંદરે કે જમનાને આરે, ગોવાળિયા રાસે રમતા હશે…હાથમાં લાકડી તો હોય જ…એ લાકડી સામસામે અથડાવીને તાલ પ્રગટ કરતા હશે…ગીતો ગાતાંગાતાં નાચતા હશે…ને એમ દાંડિયારાસનું સ્વરૂપ બંધાયું હશે….આ બધું  શીખડાવનાર તો કૃષ્ણ જ હોય…! સગવડ અને સલામતી માટે લાકડીનું કદ ટૂંકું થયું હશે અને રૂપકડા દાંડિયાથી કાન-ગોપીની રાસલીલા રચાઈ હશે…’એક એક કાન ને એક એક ગોપી’નું રૂપક રચાયું હશે..દાંડિયારાસના પ્રણેતા જ કૃષ્ણ.એ ગોકુળથી ગુજરાતમાં લઇ આવનાર પણ કૃષ્ણ…

આપણાં લોકગીતોમાં રાધા કૃષ્ણના-રાસલીલાના  ગીતોનો દરિયો છલકાય છે. કૃષ્ણના આ દાંડિયારાસનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. 

‘હરિવંશ’માં યાદવોના ‘તાલરાસક’ અને ‘દંડરાસક’ એવા બે પ્રકારના નર્તનનો ઉલ્લેખ છે. આશરે ૨૨૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા મહાકવિ ભાસના ‘બાલ ચરિતમ્’ નામના નાટકમાં ગોપકન્યાઓ સાથે  નૃત્ય  કરતા કૃષ્ણનું વર્ણન છે. આ નૃત્યને ‘હલ્લીસકક્રીડા’ તરીકે વર્ણવેલ છે. આ હલ્લીસક નૃત્ય એ જ રાસ. આ હલ્લીસક નૃત્યના પ્રકારો હરિવંશમાં દર્શાવ્યા છે. તે દંડરાસક,તાલરાસક અને લલિતરાસ. દંડરાસક તે દાંડિયારાસ અને તાલરાસક તે ત્રણ તાલીથી ગવાતો સ્ત્રી-પુરુષનો સંઘરાસ અને તાલી કે દાંડિયા વગર અંગની લલિત મુદ્રાઓ સાથે થતો સ્ત્રીઓનો રમણીય રાસ તે લલિતરાસ.

દાંડિયારાસ એ કૃષ્ણની  દેન છે. તો આ રાસ અને એમનું લાસ્ય ક્યાંથી આવ્યા ? 

ભરતમુનિના સમકાલીન  નંદિકેશ્વરના ‘અભિનયદર્પણ’માં સૌ પ્રથમ આ લાસ્યનો ઉલ્લેખ છે. ‘પાર્વતીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું. ઉષાએ દ્વારિકાની ગોપીઓને એ શીખવ્યું અને દ્વારિકાની ગોપીઓએ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું.’ (અભિનય દર્પણ)

આ ઉષા એટલે આસામના શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી અને કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની.

એ રીતે આપણા દાંડિયાના મૂળ ગોકુળમાં છે અને રાસનો છેડો આસામને અડે છે.

દાંડિયારાસમાં દોઢિયા, પંચિયા, સતિયા, અઠિયા અને બારિયા લેવાય છે. નમન અને સલામી લેવાય છે. રાસડા એ તાલરાસકનો જ પ્રકાર છે. ગરબો એ નૃત્ય તરીકે રાસ જ છે પણ એમાં વિષયગત અને ભાવગત જે વિશેષતા છે એ શક્તિપૂજાની.

કેટલાંક વર્ષોથી નવરાત્રિના ઉત્સવ માટે-ગરબા માટે ‘દાંડિયા’શબ્દ ચલણમાં છે. ‘હાલો દાંડિયામાં.’,   ‘ડિસ્કો દાંડિયા’- એવું બધું… આમ તો આ બધું વ્યાપારીકરણનું પરિણામ છે…આ કંઈ બહુ મોટો ફેરફાર નથી…કે ગરબાને બહુ વધારે નુકસાનકર્તા પણ નથી એવું પણ લાગે..ખટકે છે તો માત્ર એટલું જ કે ગરબાના સત્વ અને તત્વનો લોપ થવાની શરૂઆત આ રીતે જ થઇ છે… 

વર્તુળ-કુંડાળું

ગરબો હોય, રાસ કે રાસડો હોય, વર્તુળાકારે-કુંડાળે વળીને જ નૃત્ય થાય…

આ કોઈ જડ નિયમ નથી પણ એક સુદીર્ઘ પરંપરા છે..જે આદિમાનવના વખતથી ચાલી આવે છે…અને એમાં વજૂદ પણ છે. વર્તૂળ એક સંપૂર્ણ આકાર છે. એમાં આદિ કે અંતનું બિંદુ નથી હોતું. સૃષ્ટિમાં પણ ગોળાકારનો મહિમા છે. એકતા અને પોતાપણાનો એક સુક્ષ્મ તંતુ બંધાય છે. વર્તુળનું પ્રત્યેક બિંદુ કેન્દ્રથી સરખા અંતરે રહે છે. એ સહજ શિસ્ત છે. સંઘજીવનની આ પાયાની જરૂરીયાત છે. વર્તૂળ તૂટે તો ગરબો વીંખાઈ જાય છે. પછી એ નૃત્ય નહીં, ઉન્માદ બની જાય છે.

આધુનિક નવરાત્રિ

ગરબો એટલે શું ? રાસ એટલે શું ? દાંડીયારાસ એટલે શું ? એવી ચર્ચા સાથે જેને કંઈ જ નિસ્બત નથી એવી તરવરતી-થનગનતી યુવાનીને મન મૂકીને નાચવા દેવાય. ધર્મ કે સંસ્કૃતિના વાવટા ફરકાવીને તોફાની વાયરાને રોકી ન શકાય…

આ બધું સમજવા છતાં એટલું તો કહેવું જ પડે કે આધુનિકતા આવકાર્ય હોય, વિકૃતિ નહીં..

ધાર્મિકતાની બાદબાકી સ્વીકારી લઈએ, અને સાંસ્કૃતિક ગરિમાનું વાજિંતર ન વગાડીએ તો પણ એટલું તો કહેવાય ને કે ‘તમારે જે ગાવું હોય તે ગાઓ….જેમ નાચવું હોય તેમ નાચો….જે કરવું હોય તે કરો…પણ એને ‘ગરબો’ તો ન કહો !!!!

પરંપરા એટલે જૂનું, પ્રાચીન કે પુરાતન એ ખ્યાલ જ ખોટો છે. ખરેખર તો પરંપરા પ્રવાહિત હોય, ગતિશીલ હોય. અનુભવ અને અભ્યાસથી પરિપક્વ હોય. પરંપરા તો સારું હોય તો નવું બધું જ સ્વીકારે. પણ, જેને પોતાનું મનમાન્યું જ કરવું છે, સ્વચ્છંદી થવું છે એવા તીતીઘોડાઓ પરંપરાને વખોડે છે. અને પરંપરાના નામે પોતાનું શાસન ચલાવવું છે એવા  દંભદાસો  પરંપરાની ઘોર ખોદે છે.

ગરબાના નૃત્યમાં, ગીત-સંગીતમાં નવીનતા આવે તે સહજ અને સ્વીકાર્ય ગણાય. પણ જેને ગીત ન આવડે તે નિરર્થક જોડકણાં ગાય અને નાચતા ન આવડે તે ઠેકડા મારે કે ધૂણવા માંડે અને એને પાછા ગરબો કહે, ત્યારે બહુ ખટકે…બહુ જ ખટકે.

રંગ-બેરંગી કેડિયા ને ફરકતી ઓઢણીમાં હિલ્લોળા લેતું યૌવન બહુ રૂડું લાગે. એ તો  નિર્દોષ હોય છે. દાટ વાળે છે સૂંઠના ગાંગડે ગાંધી થવા નીકળેલા-ફૂટી નીકળેલા કલાકારો અને માના ધાવણનું પણ માર્કેટિંગ કરી શકે એવા કેટલાંક લાલચુ આયોજકો.

ગરબાનું વ્યાપારીકરણ થયું એને સમયનો પ્રભાવ ગણીને મને-કમને સ્વીકારી લઈએ. 

બસ, મીરાંનું નૃત્ય અને બારગર્લના ડાંસમાં સત્વ, તત્વ અને સ્તરનો કેટલો મોટો તફાવત છે એટલું સમજાય તોય ઘણું છે..

ગરબો તો ગરવો હોય.

રાસ તો  રસીલો હોય.

**********

મૂળ પોસ્ટીંગ 24.10.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: