અછાંદસ : ડો. પ્રવીણ દરજી
અછાંદસ વિષે થોડુંક – ડો. પ્રવીણ દરજી
આજે કવિતાએ કંઈક અંશે એની પ્રચલિત ધારાઓને બદલી નાખી છે. સંભવ છે એ નવા સમયનો તકાજો પણ હોય. કાવ્યશાસ્ત્રના ઝાંખા થઈ રહેલાં સિદ્ધાંતોનું ય એ પરિણામ હોઈ શકે અથવા એવાં બીજાં કારણો પણ હોઈ શકે. પરિણામ નજર સામે એ આવી રહ્યું છે કે બહુધા કવિતા એટલે ગઝલ કે પછી ગીત. માત્રામેળ છંદમાં ક્યાંક રચનાઓ મળે છે પણ અક્ષરમેળમાં તો એવી રચનાઓ નહીંવત અથવા તો શોધવી પડે. ગીત–ગઝલની સાથે સાથે અછાંદસમાં લખનારો એક કવિવર્ગ છે. તેના કેટલાંક સ્પૃહણીય પરિણામો પણ મળ્યાં છે, છતાં આવી અછાંદસ રચનાઓમાંથી પસાર થવાનું બને ત્યારે લગભગ લાગવાનું કે બધે અછાંદસ કારગત નીવડ્યું નથી. અછાંદસનું પણ એક વણલખ્યું પોએટીક્સ તો છે જ. લખનારે એ જાણવું પડે. સાથે એ પણ સ્પષ્ટ થવું જોઈએ કે અછાંદસની પસંદગી કેમ ? તે માટે કવિની કોઈ નિજી અનિવાર્યતા છે ? શું એ ગીત–ગઝલમાં કે છંદમાં અભિવ્યક્ત થઈ શકે એમ નથી ? શું સંવેદનની પ્રબળતા જ એવી રહી છે કે જે કવિને અછાંદસ તરફ દોરી જાય છે ? કે પછી માત્રામેળ–અક્ષરમેળની જાણકારીનો તે પાછળ અભાવ છે અથવા તો અરુચિ છે ?
અછાંદસની સમજ સાથે આવી કેટલીક બુનિયાદી વાતો સંકળાયેલી છે. એરિસ્ટોટલ–પ્લેટોથી માંડીને આજ સુધીના પૂર્વ–પશ્ચિમના મીમાંસકોએ અલબત્ત, કાવ્યચર્ચાવેળા છંદને ઉપયુક્ત લેખ્યો નથી. કાવ્ય ગદ્ય–પદ્ય ઉભયમાં સંભવી શકે તેવું સર્વસ્વીકૃત સત્ય રહ્યું છે. છતાં કવિઓની – મોટાભાગના કવિઓની દૃષ્ટિ છંદ પર રહી છે. ભૂતકાળ એનો સાક્ષી છે. એવે વખતે પણ કવિ ક્યારેક ક્યારેક છંદ છોડવા મથ્યો છે. કાં તો તેને અભ્યસ્ત કરે છે, કાં તો તેમાં છૂટ લેવા પ્રેરાયો છે પણ ન્હાનાલાલ જેવા કવિ, છંદ પર પૂરેપૂરું વર્ચસ્વ હોવા છતાં, ઉત્તમ છંદોબદ્ધ રચનાઓ આપી હોવા છતાં પણ મહાછંદની શોધ આદરતાં આદરતાં તે ડોલનશૈલીના શબ્દ–મંડળમાં પહોંચી જાય છે. એ એમની નિજી છટાબાની હતી. સશક્ત સંવેદનાને ઝીલવા માટે તેમણે છંદના ઝાંઝર તોડ્યાં. અછાંદસનું પરોક્ષ પગેરું આપણે ત્યાં એવાં પ્રયોગમાં જરૂર કોઈ ખોળી શકે. છતાં તેમણે ત્યાં આગ્રહપૂર્વક કહ્યું, – વાણીમાં ડોલન હોવું જોઈએ, એ ડોલન અણસરખું પણ હોઈ શકે.
અછાંદસમાં આ જ વાત કેન્દ્રમાં છે. ગદ્યથી તે જુદી છટા દાખવે છે. કોઈ ઇમેજ, પુરાકલ્પન કે સંવેદન લઈને અછાંદસની માંડણી થાય છે પણ ભાવકલ્પ પ્રમાણે તેનાં આવર્તનો, તેનો લય, તેનો આંતરિક લય, તેમાં જોવા મળે છે. બલ્કે મળવા જોઈએ. ત્યાં વાત છેવટે ગદ્યશિસ્તની નહીં કાવ્યશિસ્તની જ રહે છે. ગદ્યાળુતા તો ત્યાં ન જ ટકે, નભે. પણ પશ્ચિમના પ્રસિદ્ધ વિદ્વાને નોંધ્યું છે તેમ ત્યાં બળવાન સંવેદના અવતરવી જોઈએ. અછાંદસમાં એવું ઉત્તમ કવિના હાથે બન્યું છે ત્યાં પરિણામો પણ એટલાં જ શ્રેષ્ઠ મળ્યાં છે. અછાંદસ તે જ કાવ્ય અને બીજાં કાવ્યો નહીં અથવા છંદોબદ્ધ તે જ કાવ્ય અને અન્ય નહીં, એવી ટૂંકી સમજ અહીં લગીરે નભે નહીં. અછાંદસ પ્રથમ કાવ્ય છે એ વાત લખનારે બરાબર સ્મરણમાં રાખવી ઘટે. ત્યાં લય, અમુક પ્રકારનાં આવર્તનો, કૃતિનો ટોન, શબ્દપસંદગી, લાઘવ, સંકેત, કાવ્ય સર્જનારી તદબીરો, એ સર્વનો ખપ યથાવકાશે પડે છે. અહીં – સસ્તાભાવે સિદ્ધપુરની યાત્રા – એવું માનનાર અછાંદસમાં ચીત થઇ જતો હોય છે. એ રીતે અછાંદસમાં લખવું દેખીતું સહેલું લાગે પણ તે વધુમાં વધુ અઘરું છે. કવિની કસોટી કરી રહે તેવું, પડકારરૂપ એ સર્જન છે. અહીં પણ જૂના ઓજારોમાંથી કેટલાક ઉપયોગી બનતાં હોય છે. અહીં પણ શબ્દને એરણ પર મૂકવાં પડે છે. છંદમુક્તિ એટલે સ્વૈરતા નહીં, એ લખનારે સારી પેઠે સમજવું રહે છે.
‘અછાંદસ’ એ એમ છંદ વિના રચાતું ‘કાવ્ય’ છે. ત્યાં કાવ્યનિબંધન અને કાવ્યકૌશલ, કવિકર્મ તો ટકોટક જોઈએ જ. ભીતરી અનિવાર્યતા જ પ્રસ્થાનબિંદુ બનવું રહે.
ડો. પ્રવીણ દરજી
મૂળ પોસ્ટીંગ 12.10.2020
****
કાવ્યપ્રેમીઓ, આ નવી અને જુદી વ્યવસ્થામાં થોડી તકલીફ પડશે, email બાબતે. ધીરજ ધરીને સાથ આપવા વિનંતી છે. એનો ઉપાય થશે.
પ્રતિભાવો