હરીન્દ્ર દવે ~ એક હસે & પછી રોયા નહીં * Harindra Dave
એક હસે, એક રડે
એક હસે, એક રડે
આંખ બે આપસમાં ચડભડે.
એક નિહાળે ગગન, બીજીને
જચે ફક્ત આ ધરતી,
એક ઉગાડે ફૂલ, અન્યને
ગમે પાંદડી ખરતી;
મળે એક, એક બિછડે
આંખ બે આપસમાં ચડભડે.
એક ક્ષિતિજને પાર જવાના
શમણે ઘેલીઘેલી
બીજીને એ રંજ, ન સમજે
કોઈના મનને પ્હેલી,
જુદાં સપના ઘડે
આંખ બે આપસમાં ચડભડે.
~ હરીન્દ્ર દવે
પછી રોયા નહીં
આજ તો તમારી યાદ નથી
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં
ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી
આંસુઓને ધોયાં નહીં.
તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી
ને જરા ખટકો રહ્યો,
નાચતા બે પાય ગયા થંભી,
બે હાથે લાલ ફટકો રહ્યો.
કૂણાં લોચનિયાં જાતને મનાવે
જાણે કે એને જોયાં નહીં;
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં
ને પછી રોયા નહીં.
છૂંદણાંના હંસ કને મોતી ધર્યાં
ને પછી જોયાં કર્યું,
તડકો આ તાપથી અકળાયો ને
અંગ ભીનું વાદળ ધર્યું.
એથી પાગલમાં જાતને ખપાવી,
લાગે કે લેશ મોહ્યા નહીં,
પછી કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં
ને હવે રોયા નહીં.
~ હરીન્દ્ર દવે
પહેલા ગીત નું પ્રતિક સરસ છે. બીજુ ગમ્યું.
ખુબ સરસ રચનાઓ ખુબ સરસ અભિનંદન