શૈલેષ ટેવાણી ~ બે કાવ્યો * Shailesh Tevani

તેજ ખર્યું રે હેલ્લારો
ઝાંખું ઝીણું તેજ ખર્યું રે, હેલ્લારો
ચાંદો ઘરની માથે સરિયો હેલ્લારો.
ફળિયે આખું ઝાડ લચકતું હેલ્લારો,
પાને પાને ટહુકો ભરિયો હેલ્લારો.
ચણ ચણ ચાંચે ઓરતા રે હેલ્લારો,
પાંખે પૂર્યા સંદેશા રે હેલ્લારો.
ઊંબર ઊભા અધીર રે બાઈ હેલ્લારો,
ઢળિયાં પાંગત ચોમાસાં રે હેલ્લારો.
ચૂલે મીઠાં સપનાં ઓરિયા હેલ્લારો,
પાણિયારે પડછાયા ઝીલ્યા હેલ્લારો.
~ શૈલેષ ટેવાણી
‘હેલ્લારો’ એક આનંદસૂચક ઉદગાર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ પ્રચલિત. કાવ્યસંગ્રહનું શીર્ષક પણ આ જ છે, ‘ઝાંખું ઝીણું તેજ ખર્યુ રે…’ પુસ્તક ખોલતાં પ્રથમ આ કાવ્ય જ ખૂબ ગમી ગયું. ‘ઓરતા ચાંચથી ચણવાની’ કે ‘ચૂલે મીઠાં સપનાં ઓરવાની’ વાત સરસ પ્રતિકાત્મક અને કાવ્યાત્મક રચાઇ છે!
પત રાખો ઈ ખરી
આ પા આમ બેસજો જરી,
સાહિબ, મારાં પંડ પાથરું જરી.
ઝાલર બજતી એ દિશામાં
નહિ ભરું હું પગલું
જ્યાં હો ઢોલ, નગારાં વાજાં
નહિ કોઈ ત્યાં સગલું.
હાશ મળી છે જરી,
સાહિબ, મારા મનને રાખો ધરી.
હું ઉંબરમાં આભ ઉતારું
મારે ફળિયું ભલું
આભ નિતારે અનરાધારે
હું ભીતરમાં છલું.
સુરતા સાચવો જરી,
સાહિબ મારા, પત રાખો ઈ ખરી.
~ શૈલેષ ટેવાણી
‘ઝાંખું ઝીણું તેજ ખર્યુ રે…’ * શૈલેષ ટેવાણી * રંગદ્વાર 2013
વાહ.. ખૂબ સરસ
વાહ વાહ બન્ને કાવ્ય ખુબ સરસ અભિનંદન
બંને કાવ્યો ખૂબ જ સુંદર છે.