કૃષ્ણલાલ શ્રીધરાણી ~ બે કાવ્યો * Krushnalal Shridharani

સૂરજના છડીદાર
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !
સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર !
પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર !
જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર !
~ કૃષ્ણલાલ શ્રીધરાણી
કવિને જન્મદિને સ્મૃતિવંદના
રાતના અવાજો
નીંદરનાં બારણાં ખોલવાને કા૨ણે
પાંપણોને પોરવી તાળાં દીધાં:
શાંતિની જીભ શા રાતના અવાજે
અંધાર વંડીએથી ડોકિયાં કીધાં,
જોયો કો જમ ને કોળીનું કૂતરું
કૂવા કને જઈ ભસતું જતું,
હાથમાં મિલાવી હાથ કુમળા પ્રકારના
મેડી નીચે કોઈ હસતું હતું.
જેલની દીવાલ પે આલબેલ ગાજતા
અંદરના ‘ઓહ!’ સો મૂંગા રહ્યા;
ઘૂવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં
કબરોમાં કોઈ પેર આવ્યાં, ગયાં.
ગાડામાં એકલો વાસળી વગાડતો
બેકલ થવાની હોંશ ગાતો જતો;
ચીલાએ જીરવ્યા આવા અનેકને
એટલે ‘કરરડકટટ” બળખો થતો.
રોવું, રાજી થવું, હસવું કે ભૂલવું ?
સમજી શકું ન હું ને પાસાં પડું
દિનભર સૂતેલ દિલ આળસ મરડી
પોપચાંને તંબૂને થતું ખડું.
~ કૃષ્ણલાલ શ્રીધરાણી
સરસ રચનાઓ ખુબ ખુબ અભિનંદન
આલા દરજ્જાના કવિને સ્મૃતિ વંદન ્