ગીતમાં લય ભાગ 3 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet

ગીતમાં લય

ગીત અને સંગીત બન્નેમાં લયતત્ત્વ છે. પણ બન્નેમાં તેની કામગીરી જુદી છે. ગીતમાં લય ભાષાને ઘાટ આપે છે જયારે સંગીતમાં સ્વરને. સ્વર સાથે ભાષા હોવી અનિવાર્ય નથી. ગીત ભાષાના આશ્રયે પ્રગટે છે. ગીતની ભાષા સંગીતમાં ઢળે છે ત્યારે તેનો લય ગીતનો મટી સંગીતનો થઈ જાય છે. એવું બને ત્યારે લયની તપાસ સંગીતશાસ્ત્રના ધોરણે કરવી પડે. કાવ્યશાસ્ત્ર વડે થતી લયની તપાસમાં સંગીતમાં ઢળેલી ગીતની ભાષાનો વિચાર કરવાનો ન હોય. આ ભેદ પાડ્યા વગર ગીત અને સંગીતના લયની અલગતા સિદ્ધ નહીં થાય. જોવાનું એ છે કે ગીત અને સંગીતનો લય મૂળભૂત રીતે એક હોવા છતાં બન્નેમાં જુદી જુદી રીતે સક્રિય હોય છે. ગીતમાં લયનો માર્ગ ભાષાનો છે, સંગીતમાં સ્વરનો. ગીત અને સંગીત બેઉને લયનું તત્ત્વ અલગ અલગ રીતે નિયંત્રિત કરે છે.

હવે આપણે ‘ગવાય તે ગીત’ અને ‘ગાઈ શકાય તેવું કાવ્ય તે ગીત’ વગેરે ભ્રાન્તિવચનોથી ખસીને ગીત વિશે શુદ્ધ સ્વરૂપવાચી અભિગમથી વિચારીએ. ઊર્મિ અને લય અભિન્ન છે. ઊર્મિ કદી સપાટ અનુભવ આપનારી હોઈ શકે નહીં. તે સદા સમવિષમ ઝૂલણનો અનુભવ કરાવતી રહે છે. સહેજ વધુ સ્પષ્ટ કરીને કહું તો ઊર્મિ એ હૃદયની એવી ભાવસ્થિતિ છે જે કદી સ્થિર કે સ્થાયી હોઈ શકે નહીં. આવી ઊર્મિની ભાષામાં થતી અભિવ્યક્તિ પણ સપાટબયાન હોઈ શકે નહીં તે સ્પષ્ટ છે. ઊર્મિ બળપૂર્વક ભાષાને પોતાના ઝૂલે ઝુલાવવા આમથી તેમ મરડતી રહે છે અને તે થકી ભાષાનાં જે રૂપ નીપજે છે તેને ગીતમાં લય તરીકે આપણે ઓળખીએ છીએ. આ તરફ ઊર્મિ છે તો, એના સામા છેડે સર્જકતાનું બળ છે. સર્જક ઊર્મિપ્રેરિત ભાષાને એની રીતે પ્રગટવા અને પ્રસરવા દેતો નથી પણ પોતાની સર્જકતાના કીમિયાઓ થકી નાથી લે છે અને તેના વિલક્ષણ ઘાટ ઘડે છે. આ કારણે ગીતના લયમાં એક ચોક્કસ વ્યવસ્થા ઊભી થાય છે. પછી એને કાવ્યના શાસ્ત્રીઓ ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ, સપ્તકલ વગેરે સંધિઓના નામ આપી ઓળખાવતા રહે છે.

વાત ગીતના સ્વરૂપના સંદર્ભમાં થાય છે ત્યારે એ પણ સમજી લેવું જોઈએ કે ગીતમાં લયની ભાતો એકસરખી જ હોય તેવું નથી. સંસ્કૃત વૃત્તોમાં જે ચુસ્તી છે તે પ્રકારની જડબેસલાક લયચુસ્તી ગીતમાં ન પણ હોય. આ કારણે ગીતમાં લયના અનેક પ્રકારના સંયોજનો થઈ શકે. તેની પરખ સરવા કાન વગર થવી શક્ય નથી. શ્રુતિગોચર ધ્વનિઓ આપોઆપ લયની ભાતો રચી આપતા હોય છે. પણ તેને ઉકેલવા માટે લયની પ્રતીતિ થઈ શકે તેટલી આવડત હોવી જોઈએ. લય અને સમય કદી જુદા પડી શકતા નથી. લયનું કોઈપણ આવર્તન સમયનો એક એવો ચોક્કસ હિસ્સો હોય છે, જે તરત પછીના સમયના ચોક્કસ હિસ્સાથી પોતાને જુદું પાડે. લય એ સમયના હિસ્સાઓના આવર્તનોનું સંયોજન હોય છે. સરવા કાન હશે તેઓ સમયના આવર્તનોનું નિશ્ચિત માપ કાઢી શકશે. ચિત્તમાં તેની સ્થાપના કરી શકશે. સંગીતકળામાં આ માપને તાલ તરીકે ઓળખવામાં આવે છે. નૃત્યકળામાં પણ તેનો એ નામે મહિમા છે. તફાવત એ છે કે કાવ્યકળામાં આ તાલ સાથે ભાષા નીપજતી આવે છે. ભાષા પોતે એવી ચીજ છે જે ખુદ હ્રસ્વ અને દીર્ઘ ધ્વનિઓની ભાતમાં નિબદ્ધ છે. તેથી તેમાં લયનાં આવર્તનો સાથે મેળ બેસાડે તેવા શબ્દચયન વગર ઉચિત લય નીપજાવવો શક્ય હોતો નથી.

ગીત લખતા કવિ માટે મોટું જોખમ અહીં હોય છે. લયનાં આવર્તનો સાથે ભાષાનો મેળ પાડવા જતાં ઊર્મિતત્ત્વ ન જળવાય તો ગીત હાથમાંથી સરી જાય છે. એ જ રીતે ઊર્મિને અનુકૂળ લયમાં ગીતોપકારક ભાષા નીપજાવી ન શકાય તો પણ કારી ફાવતી નથી. ગીત એવું કાવ્યસ્વરૂપ છે જેમાં લયનિબદ્ધનની મોકળાશ હોવા છતાં ભાષા અને ઊર્મિ જેવા બે પ્રભાવક તત્ત્વોનો તેના પર સકંજો હોય છે. જોવાનું એ હોય છે કે આવી ભીંસ છતાં, ગીત પ્રગટે ત્યારે સહજ અને સરળ લાગે છે કે નહીં. જો આ સંતુલન સિદ્ધ થાય નહીં તો ગીત તેટલે અંશે નિષ્ફળ રહે છે. લયના આવર્તનોનું ખૂબીપૂર્વકનું સંયોજન કરવાની સાથે પ્રાસાદિ પ્રયુક્તિઓ દ્વારા લયનું વિશેષ કામણ રચવું કે પંક્તિઓ નાની-મોટી કરી આવર્તનોની વિશિષ્ટ ભાત રચવી, ક્યાંક ભાષાના ધ્વનિની મદદ લીધા વિના આવર્તનમાં ખાલી જગ્યા મૂકવી કે ક્યાંક આવર્તન પૂરું થઈ ગયા પછી કે શરૂ થતાં પહેલાં આગળ પાછળના આવર્તનનો અંશ જોડી દેવો– એવી ઘણી નકશીઓ લયનો કસબી કવિ નીપજાવી શકતો હોય છે. સાચું ગીત એ છે જે કવિના આ બધા પરચાનો ભાવકને પરિચય થવા ન દે. ઊર્મિના અનુભવથી ઈતર કશું પણ હાથ લાગે તો તે ગીતના આસ્વાદ માટે નડતરરૂપ છે.

ઊર્મિ, ભાષા અને લય એ ત્રણેની ગીતવિશિષ્ટ ભૂમિકાઓ અંગે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરી. એ થકી ગીતનો ચહેરો હવે સ્પષ્ટ થયો હશે. આ ત્રણે તત્ત્વો માત્ર ગીતમાં જ હોય છે તેવું નથી. અન્યત્ર પણ તે હોઈ શકે. પણ આ ત્રણે જયારે ગીતમાં પ્રયોજાય છે ત્યારે તેમની ભૂમિકા તેઓ અન્યત્ર પ્રયોજાય તે કરતાં અલગ પ્રકારની હોય છે તે સમજવાનું છે. ગીતને એકથી વધુ કાવ્યસ્વરૂપના સંદર્ભમાં જોઈએ ત્યારે આપણાં નિરીક્ષણો ચોક્કસ અને મૂળગામી હોવા જોઈએ. ટૂંકમાં, એટલું કહી શકાય કે ગીત અનિવાર્યપણે ઊર્મિકાવ્ય બનવું જાઈએ, ગીતરચના વડે થતો ઊર્મિનો અનુભવ ભાષાના માધ્યમથી થતો ઊર્મિનો અનુભવ છે તેથી ગીતની ભાષા ઊર્મિપ્રવણ ભાષા હોવી જોઈએ; ઉપરાંત એ ભાષા સમવિષમ આવર્તનોની એક ચોક્કસ ભાતમાં પ્રાસાદિ કાવ્યપ્રયુક્તિઓથી નિબદ્ધ એવી લયાત્મક ભાષા પણ હોવી જોઈએ. એવું યે બને કે ઘણીવાર ગીત નામે ઓળખાવાતી રચનામાં ઊંચું કાવ્યત્વ હોય પણ સાચું ગીતત્વ પ્રગટાવતી સર્જકતા ન હોય. આ સમજના અભાવમાં ઘણાં ગીત અને અગીતનો ભેદ યોગ્ય રીતે નથી કરી શકતા. સાચી ગીતરચનાઓ તો ઓછી જ હોવાની. કિંચિત્ પુનરાવર્તનનો દોષ વહોરી એટલું ઉમેરી દઉં કે ગીતકવિ ગીતરચના કરતી વખતે ભાષાને લયના સમવિષમ આવર્તનોમાં લીલયા પ્રયોજતો હોય છે. ગીતરચના કવિ વડે થાય છે, સંગીતકાર વડે નહીં. તેથી ગીતરચનાએ કાવ્ય તરીકે પ્રગટવું અનિવાર્ય છે. એમ કરવા જતાં ગીતત્વ અળપાય નહીં તે જોવું પણ અનિવાર્ય છે. અગીત કે અકાવ્ય હોય તેવી લયનાં નિયત આવર્તનોમાં બદ્ધ રચના કોઈ સંગીતકાર વડે સંગીતનું ઉત્તમ રૂપ ધારણ કરી શકે, પણ તેથી તે ઉત્તમ ગીતરચના છે તેમ ન કહી શકાય. ગીત ગવાય તેમાં ગીતની ક્ષમતા છે તેમ નહીં પણ ગાયક કે સ્વરકારની ક્ષમતા છે તેમ કહેવું જોઇએ. ગીત ગવાય તેમાં જ ગીતરચનાની પરિણતી છે તેમ નહીં પણ ગીત, સંગીત નામે એક અન્ય કળાનો સહયોગ પણ મેળવી શકે છે તેમ કહેવું તર્કપૂત ગણાય.

~ વિનોદ જોશી (મૂળ લેખનો અંશ)

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગ અને ‘સન્નિધાન’ના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઑફ આર્ટ્સમાં યોજાયેલ કાર્યશિબિરમાં તા. ૩, જાન્યુઆરી, ર૦૦૪ના રોજ કરેલું વક્તવ્ય લેખ સ્વરૂપે  

ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો ત્રીજો ભાગ ~ સંપાદક  

4 Responses

  1. 'સાજ' મેવાડા says:

    સરસ માહિતી સભર લેખ.

  2. ખુબ સરસ માહિતી સભર લેખ

  3. Sandhya Bhatt says:

    ગીતમાં લયની સમજ આપતો સરસ લેખ..

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    લતાબેન…. ખૂબ આભાર….વિદ્વાન કવિ શ્રી વિનોદ જોશીનો ગીત રચના માટેનો માહિતી સભર લેખ આપવા બદલ આપનો ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: