ઘાયલની પ્રથમ ગઝલ Amrut Ghayal

શાયર અમૃત ઘાયલ અને શાયર રુસ્વા મઝાલૂમી એટલે કે પાજોદના દરબાર એ બંને મિત્રો. એક હતા રાજવી/મહારાજાના કુંવર અને બીજા રાજકોટના રાજવી લાખાજીરાજના રસોઈયા/મહારાજ લાલજી ભટ્ટનો દીકરો ! અને આ કવિના ટેરવે પકાવેલી ગઝલ ગુજરાતી સાહિત્યને રસાળ અને સમૃદ્ધ કરી ગઈ.

એમનામાં કાવ્યના સંસ્કાર ક્યાંથી રેડાયા ? ઘાયલસાહેબ પોતે કહે છે, “મારા નાના ભગવાનજી ઠાકર અભણ હતા પણ શીઘ્ર કવિ હતા અને દરબારોના માથા ડોલાવતા અને મારી માનું સોરઠી ભાષાનું પોત. આ બધું મારી શાયરીમાં છવાયેલું છે.” રૂસ્વાસાહેબે એમની શાદીમાં ઘાયલને આમંત્રણ આપ્યું. ત્યાંની વ્યવસ્થાથી કવિ એટલા ખુશ થયા કે એમણે એમના બનેવી નૂર મોહમ્મદને પત્ર લખ્યો. નૂર મોહમ્મદે આ પત્ર રાજકોટના દરબારસાહેબને બતાવ્યો અને તેઓ ખુશ થઈ ગયા, ‘અરે વાહ, ભટ્ટભાઈ આવું સરસ લખે છે ! એમને આપણી સાથે રાખી લેવા જોઈએ. આપણા સાહિત્યના કામ એમને સોંપીશું.”

પહેલું કામ તરીકે એમને લાઠીમાં કલાપી જયંતિ ઉજવાતી હતી એમાં ઘાયલને મોકલ્યા. કલાપી કાર્યક્રમોમાં દસ દિવસ નીકળી ગયા ત્યાં દરબારસાહેબનો પત્ર આવ્યો, “કલાપીની પૂણ્યભૂમિમાં ગયા છો તો કંઈક પ્રસાદી પામીને આવજો.” ઘાયલ ખૂબ મૂંઝાયા. શી પ્રસાદી લઈ જવી ? મુંઝારો વધતો ગયો. સાંજે કલાપીની સમાધિ પર ગયા. એમની સામે માછલીઘર હતું. એમને થયું, આ માછલાંઓ કાચના ઘરમાં કેદ અને આપણે અંગ્રેજોની ગુલામીની કેદમાં ! પણ એ રમતા હતા અને આપણે એકબીજાની હત્યા કરતાં હતા.” બસ આ વિચાર અને એમના મનમાં છંદ સ્ફૂર્યો. સમાધિ સામે જોતાં જાય અને પંક્તિ ઉતારતા જાય. જે લખાયું એ ગઝલ જેવું હતું. રાત્રે એમણે લલિતજીને બતાવ્યુ તો એ કહે કે સારા કવિ થશો. લલિતજીએ એમને ઉર્દૂ શીખવાનું કહ્યું.

પાજોદ દરબારના કુમારોને ઉર્દૂ શીખવવા ઉસ્તાદ આવતા હતા. એમની પાસેથી તેઓ ઉર્દૂ શીખ્યા. શાયરી સમજવા તેઓ ઉર્દૂ શીખ્યા પણ એમનો ઇરાદો પોતાની ભાષા વાપરવાનો જ હતો. ઘાયલ જૂનાગઢનાં કવિઓ મનોજ ખંડેરિયા, કામિલ જૂનાગઢી, કમર જૂનાગઢી અને બીજા શાયરોની સાથે બેસવા લાગ્યા. એ વખતે શયદાનો જમાનો હતો. ગઝલમાં હૂશ્ન અને ઈશ્કનો વરસાદ થતો. ઘાયલે પ્રતિજ્ઞા કરી કે હું લખીશ તો સોરઠી બાનીમાં જ ગઝલ લખીશ. એમણે ગઝલનું ગુજરાતીકરણ કર્યું. જેમ કે એમની ગઝલમાં ઈશ્કની જગ્યાએ ‘પ્રણય’ જેવા ગુજરાતી શબ્દો આવ્યા. સો જેટલી ગઝલ એમણે લખીને કાચી લાગી એટલે ફાડી નાખી. 

ઘાયલસાહેબને ગુજરાતી ગઝલમાં તત્વજ્ઞાનનો રંગ લાવવો હતો. એક એક શેર માટે રાતોની રાતોનું જાગરણ કરતા. એક વિચાર માટે એમના મનમાં પચાસ જાતની રીતે શેર બંધાય અને અંતે જેમાં સંતોષ થાય એ શેર કાગળ પર સચવાય.

આમ એમની કાવ્યયાત્રા શરૂ થઈ અને પછી તો ખળખળાટ વહેતી ચાલી.

સાંઇ મકરંદ દવેએ ઘાયલ માટે લખ્યું,

‘દરદીલા કંઠમાંય ભર્યા ભાઈ, તેં અમી

ઊંડેરી આહમાં ભરીભરી ઉમંગને. 

તો એક જાણીતા વિવેચકે લખ્યું છે, “પ્રશિષ્ટ ગઝલોથી ઘાયલ કરવાનું શહૂર’ એમનામાં છે.

ભલભલા ચમરબંધીનેય એ સાચું કહેતાં અચકાતા નહીં. સૌરાષ્ટ્ર જ્યારે અલગ રાજ્ય હતું અને ઉછંગરાય ઢેબર મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રીશ્રી તથા ધારાસભ્યો સમક્ષ કાવ્યપઠન કરવા જવાનું હતું પણ પૂર્વસંમતિ લેવામાં આવી ન હોવાના કારણે ઘાયલે નકાર પકડાવ્યો. સરકારી નોકર હોવાની ચીમકી આપવામાં આવી ત્યારે આ ખુમારીભર્યા શયરે કહ્યું, ‘ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ભલે સરકારી નોકર હોય, ઘાયલ નથી.’

શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે એમના શાસનથી અસંતોષ હોવાના કારણે ઘાયલે એમના મોઢા પર જે મુક્તક સંભળાવ્યા હતા એમાંનું એક:

થોડો ઝાઝો હિસાબ તો આપો,

ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ

એક વાસી ગુલાબ તો આપો ! – અમૃત ઘાયલ

લતા હિરાણી

સંદર્ભ : 1. ‘શબ્દના સગાં’ – રજનીકુમાર પંડ્યા  2. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભાગ 5 – ધીરુભાઈ ઠાકર  અને અન્ય   

OP 8.6.2022

લલિત ત્રિવેદી

02-07-2022

પ્રણામ

આભાર

21-06-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

સાજ મેવાડા

18-06-2022

ખરો કવિ જ સત્ય કહી શકે.

છબીલભાઈ ત્રિવેદી

08-06-2022

ધાયલ સાહેબ ની પ્રથમ ગઝલ ખુબ જાણવા મળ્યું રૂસ્વામજલુમી પાજોદ દરબાર ના ખાસ પ્રિતી પાત્ર અેમના માટે શું કહી શકાય તેમની રચનાઓ દિલ થી માણી શકાય પ્રણામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: