હું કવિ કેમ બન્યો ? – ઉદયન ઠક્કર * Udayan Thakkar

અમારી શાળામાં સાહિત્ય-સંગીત-કળાનું પુરબહાર વાતાવરણ.

ચાલોને, રમીએ હોડી હોડી!

વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર ઝરણાં નાનાં જાય દોડી દોડી…

ભૂલકાં નાચતાં હોય, કલ્પનાના પ્રદેશમાં રાચતાં હોય.

મારી પહેલી કવિતાનું ધોરણ કેવું હતું એ ના પૂછશો, પણ ત્યારે મારું ધોરણ હતું પહેલું (બ). અમારા પાડોશી તે ગૌતમ દીવાન, ફૂટડા નવજુવાન, ટેબલટેનિસ ચૅમ્પિયન. મેં લખ્યું:

આ ગૌતમ દીવાન અકડી તો મારે છે બહુ, પણ પોતાના માપની નથી મળતી એકે વહુ!

લખ્યું તો લખ્યું, પાછો એમને જઈને સંભળાવી આવ્યો. ગૌતમ દીવાને મને મરઘો બનાવીને ફેરવ્યો, દીવાન-ખાનામાં. મને તરત ખ્યાલ આવી ગયો, કેવો મળતો હશે કવિતાનો પુરસ્કાર, આપણા સમાજમાં.

ન્યૂ ઍરા શાળામાં સાહિત્યકારોનો આવો-જાવરો ચાલુ જ હોય. વિદ્યાર્થીઓ શાયરોનો વેશ લઈ મુશાયરા કરે. અમારા આચાર્ય કહે, ‘તમે શું લખતા’તા? ગીત તો મેં લખ્યું છેઃ મારી ટાલમાં પડી રે એક ગૂંચ”

નવમા ધોરણના શિક્ષક વર્ગમાં આવીને એક પછી એક બારી ઉઘાડે, તાજી હવાને અંદર આવવા દે – રમેશ પારેખ, અનિલ જોશી, સુરેશ જોષી, સિતાંશુ યશશ્ચંદ્ર… શિક્ષકનું નામ નીતિન મહેતા. પિતાની તબિયત નાદુરસ્ત રહે. તેમને મળવા અવારનવાર આવે જગદીશ જોષી અને સુરેશ દલાલ. ક્યારેક મારી ડાયરીમાં નજર ફેરવે. “આ શું લખ્યું છે? ગીત? મધુર મદિર વર્ષાને પગલે શમે સહુ પ્રશ્નાર્થ વ્હાલમા’. આમે ન લખાય. ‘પ્રશ્નાર્થ’ ભારે પડે. આમ રાખઃ મધુર મદિર વર્ષાને પગલે શમે મથામણ શમે.”

આમ કવિતા સાથેની અફેર થઈ શરૂ. પ્રાસ મળે તો યુરેકા, યુરેકા! લય સ્ફુરે ને હિપ હિપ હુર્રે! હોય બતકી ને લાગે હંસલી, હોય પોયરી પણ લાગે પરી. હૃદયની અકળ ઊર્મિઓનું આકલન હતું આ કવિતાઓમાં? ના રે ના. ઉમંગ, ઉલ્લાસ, ઉછળાટ, ઉભરાટ.

સૂરજના કેસરિયા લસલસતા રેલામાં કો’ક સાંજ ડૂબવાની કેવી મજા!
એક જ સમય પર મારું તમારું આ દુનિયામાં હોવાની કેવી મજા!

ટ્રેનોમાં લટકીને, બૈરીથી છટકીને, ઑફિસે ટેમસર જાવું રે લોલ
રૂપિયાને અડવાની, લેજર ચીતરવાની, યેસ બૉસ કરવાની કેવી મજા!

એક કવિતામાં પૃથ્વીને ટ્રેનનું રૂપક આપેલું. તે દિવસોમાં અમે મહિને એક વાર મળતા – અનિલ જોશી, જવાહર બક્ષી, મેઘનાદ ભટ્ટ, હેમેન શાહ, દિલીપ ઝવેરી મેં પૂછ્યું, ‘આ ટ્રેન નહીં પણ પૃથ્વી છે એ સ્પષ્ટ તો થાય છે ને? દિલીપ કહે, નથી થતું, ને થવુંયે ન જોઈએ. કવિતા સંદિગ્ધ હોય, અસંદિગ્ધ નહીં

સાહિત્યનો પદ્ધતિસરનો અભ્યાસ નહીં. હોંશ વધુ ને હુન્નર ઓછો. પ્રકાશનાર્થે ને રચનાઓ મોકલવા માંડી – અત્ર તત્ર સર્વત્ર. નિરીક્ષકના તંત્રી જયંત પંડ્યાનું પોસ્ટકાર્ડ આવ્યું, ‘ગઝલ સ્વીકારું છું, પણ એક ફેરફાર સાથે. પશુ ધ્રુજાવે ચામડી ને સ્થાને પ્રાણી ખંખેરે ત્વચા’ રાખીએ તો કેમ?” કાવ્યોચિત પદાવલિના એકડિયા-બગડિયા ઘૂંટાતા જતા હતા. (આ જ જયંત પંડ્યાને પહેલી વાર મળવાનું થયું. પચીસેક વર્ષ પછી. હોમરનું ‘ઇલિયડ’ તાજું વાંચેલું. શૂરાતનથી સંભળાવ્યે જાઉં, જયંતભાઈ થોડી વાર તો મૂંગા રહ્યા. પછી લઈ આવ્યા એક દળદાર ગ્રંથઃ ઇલિયડનો પોતે કરેલો સમશ્લોકી અનુવાદ !)

મરાઠી કવિ મંગેશ પાડગાંવકરને મળવાયે પહોંચી ગયેલો તેમણે મારું પુસ્તક વાંચેલું. કહેવા લાગ્યા, ‘દાયકાઓના દાયકા લખ્યા પછી મારી સર્જકતા સુકાઈ ગયેલી. કશું લખવાનું મન જ ન થાય તેવામાં તારી ચોપડી હાથે ચડી.  દિવાથી દીવો પ્રગટે તેમ તારી કવિતાથી હું ઝગમગવા લાગ્યો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હજારો મળે. બિઝનેસમૅન લાખો, પણ કવિ તો મળે કે નયે મળે ઉદયન, તું ઉદ્યોગપતિ નહીં પણ નિરુદ્યોગપતિ થજે, ને લખતો રહેજે.’

અમારો કચ્છી સમાજમાં કવિકર્મની પ્રતિષ્ઠા નહીં. ‘તમને કવિતાનો નાદ ક્યાંથી લાગ્યો? એવું પૂછે ખરા પણ એવા સૂરમાં, જાણે પૂછતાં હોય, આ હરસ કેમ કરીને ઊપડ્યા?’

ઈંટ, માટી, રેતી, કપચી, કાચ, ચૂનો
એક દિવસ કામ પડશે લાકડાનું!

ક્યાં કવિતા? ક્યાં મુ જેડો કચ્છી માડુ?
કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું!

રાજુલ મારી પત્ની. કવિતાને કાજ એનો હકાર તો ન મળે પણ સ-હકાર મળે ઈ. સ. ૨૦૦૦માં માંદગી આવી. બિછાને પડ્યો પડ્યો વિચારું, શા સારુ જનમ લીધો? દોઢિયા રળવા ?

રૂપિયાને રાતદિવસ સાચવે જે, શું કહીશું એને? પાકીટ ચામડાનું?

હવે સાહિત્યને વધુ સમય આપતો થયો. કાવ્યશાસ્ત્રવિનોદેન કાર્લો ગતિ ધીમતામ. કુન્તકના વક્ર વલોણાથી અને અભિનવના ગુપ્ત નેતરાથી ભેજાનું દહીં કર્યું અને દહીંની છાશ. શૈલાધિરાજતનયાની સાથે તપ કર્યું, યથાસંભવ પ્રેમાનંદના મામેરાથી માલામાલ થયો. શેક્સપિયરના (આયેંબિક પેંટામીટર નામના) ચરણ પાસે બેઠો. આયેનેસ્કોની પ્રયોગશાળામાં પેસીને ત્રણ કસનળી તેમ જ એક ચંબુ ફોડ્યાં.

કોઈ અંગ્રેજ કવિએ લખ્યું છેઃ ‘મારી સામે બે કવિતાઓ છે. એકને હું કહું છું, પ્રિય હજી નહીં. બીજીને કહું છું, પ્રિય, હવે નહીં” ગીત-ગઝલ રચવાનો ઉત્સાહ ઓસરતો ચાલ્યો.

આ સંક્રાંતિકાળમાં બે સાહિત્યકારો મળી ગયા. સાહિત્યકારો શાના? સાહિત્યકોશો. પહેલા તે જયંત પારેખ. પયારને છંદે ચડી ગયેલો ત્યારે તેમણે પરિચય કરાવ્યો વનલતા સેન સાથે. ‘ચુલ તાર કબેકાર અંધકાર વિદિશાર નિશા’ અન્ય તે અનન્ય એવા નિરંજન ભગત. હજારો વહાણ ટ્રોય તરફ જતાં હતાં. પોતાની લાગવગ વાપરીને તેમણે મને એકમાં બેસાડી દીધો.

ફાઇવ સ્ટાર હોટેલમાં નાચગાનની જલસો ચાલે છે. હું કાગળ પર કશુંક ટપકાવું છે. અડખેપડખેના કિશોરો ભારે કુતૂહલથી ડોકિયાં કરે છે. ‘કઈ લિપિમાં લખો છો, અંકલ ?

કિશોરોને કઈ રીતે સમજાવું કે, આ લિપિનો વળાંક મારા જીવનનો વળાંક છે.

ગાંધીજી કહેતા હતા ‘મારું જીવન એ જ મારી વાણી છે.’

હું ગાંધીજી નથી. ‘મારી વાણી એ જ મારું જીવન છે.’

સૌજન્ય : મારી કારકિર્દીનો સૂર્ય – સં. સુરેશ દલાલ

OP 7.4.2022

મહેન્દ્ર જોશી

08-04-2022

કવિ, તમે ભાષાને લાડ કરો છો એટલે આ ગમ્યું..

સાજ મેવાડા

07-04-2022

ખૂબ રસપ્રદ કવિની કેફિયત. શુભેચ્છાઓ.

છબીલભાઈ ત્રિવેદી

07-04-2022

આજના સેતુ વિભાગ મા કવિ ઉદનન ઠક્કર હુ કવિ કેમ બન્યો? ખરેખર ખુબજ મજા આવી આવી માહિતી બીજે ક્યાંય મળતી નથી અને આ જ મજાછે આપણા કાવ્યવિશ્ર્વ ની આભાર લતાબેન

Kirtichandra Shah

07-04-2022

Udyan Thakkar .His prose is also Poetry. A real man of lliterature have opened Himself

1 Response

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    ઉદયનભાઇની કવિતાઓ પણ ગમે છે અને રજૂઆતની શૈલી પણ. તેથી આ પૂર્વ ઇતિહાસ જાણવાની પણ મજા પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: