સુરેશ દલાલ ~ કાવ્યનો પથ Suresh Dalal

અમે કોણ?

શા માટે પૂછો છો તમે કોણ? અમે તો દેવના લાડકવાયા.

એમણે અમને સમગ્ર સૃષ્ટિ આપી લીલા માટે

અમે અમારા પ્રતિભાબળથી આ વિશ્વમાં વિહરીએ છીએ

અમારી દષ્ટિ દિશાકાળને વીંધીને આરપાર જોઈ શકે.

આ બધો ઠાઠમાઠ વૈભવ અમારે માટે ફિક્કોફસ

એ તો અમારી પ્રતિભાનો સ્પર્શ કે જે વસ્તુને સૌંદર્ય અર્પે

અમારા હાથમાં જ કંઈક જાદુ છે. તમે તો ખાલી છાલછોતરાંમાં અટવાઓ,

અમે વીણી લઈએ કેવળ સત્ત્વ.

આ શૂન્યાવકાશમાં દેવોનાં રહેઠાણ કોણે વસાવ્યાં?

પૃથ્વીને સ્વર્ગ જેવી બનાવવાનો કોણે પ્રયત્ન કર્યો?

આ અમે જ છીએ જેમના સર્જને અમૃત વસાવ્યું.

આ અમે જ છીએ જેમણે તમને માંગલ્યનું શરણ આપ્યું.

કરી નાખો અમારી બાદબાકી! તારામઢયું આકાશ નિસ્તેજ થઈ જશે,

કરી નાખો અમારી બાદબાકી! જિંદગીની કોડીનીયે કિંમત નહીં રહે! ~ કેશવસુત

કેશવસુત મરાઠી ભાષાના કવિ, આપણા ઠાકોરની પેઢીના. ઠાકોરની જેમ એમણે સૉનેટ લખ્યું! મરાઠીમાં સૉનેટને સુનીત કહેવાય. હજી પણ ચર્ચા ચાલે છે કે સૉનેટ પહેલું કોણે લખ્યું? ઠાકોરે કે કેશવસુતે? આપણને કોણ પ્રથમ એમાં રસ નથી. આપણો રસ પરમમાં, પરમ કવિતાથી વિશેષ શું હોઈ શકે?

અહીં કેશવસુતના સૉનેટની વાત કરવી છે. આ કાવ્યમાં કવિતા અને કવિનો મહિમા છે. સુંદરમે ક્યાંક લખ્યું હતું કે વિચાર તો કરો કે રામાયણ, મહાભારત કે કાલિદાસ ન હોય તો આપણું ભારત કેવું લાગે? કવિતા અને જગતનો સંબંધ એ સૂક્ષ્મ સંબંધ છે. આપણું ઊર્મિતંત્ર કવિતાને કારણે કેળવાય છે. કેળવણીનું પ્રથમ પગથિયું અને કેળવણીની ચરમ સીમા કવિતા, કવિતા એટલે સર્જકતા. આ સર્જકતાનો અભિગમ અનેક ક્ષેત્રમાં હોઈ શકે. આજે કેળવણીમાંથી સર્જકતા અલોપ થઈ ગઈ છે.

કવિ એટલે કોણ? દુનિયાના માણસથી એ કઈ રીતે જુદો પડે છે. આમ તો એ હોય છે સામાન્ય માણસ જેવો જ. પણ કશુંક અ-સામાન્ય લઈને એ બેઠો હોય છે. ઉમાશંકરે કવિને સ્વર્ગનો જાસૂસ કહ્યો છે. કોઈકે કવિને નાનકડો બ્રહ્મા કહ્યો છે. કેશવસુત સીધી જ વાત કરે છે. કહે છે અમે તો દેવના લાડકવાયા. કવિ આ સૃષ્ટિમાંથી નોખી સૃષ્ટિ સર્જી શકે છે. ઉત્તમ કવિ જે કરે તે લીલા કહેવાય, કવિ આરપાર જોઈ શકે છે. દિશાકાળને વીંધી શકે છે. સર્જક પાસે પ્રતિભા હોય છે. અને આવા પ્રતિભાપુત્રો વિશ્વમાંથી કાવ્યવિશ્વ ઊભું કરતા હોય છે. સામાન્યને માટે આકાશ એ આકાશ છે, ફૂલો એ ફૂલો છે, તારા એ તારા છે. પણ આ આકાશ કવિની આંખે જોઈએ ત્યારે એ જુદું જ લાગે છે. ધોળાં વાદળ શ્વેત સસલાં જેવાં લાગે છે, ફૂલની સુગંધમાં કોઈક વાણી સંભળાય છે. માછલીમાં મીનાક્ષી દેખાય છે. આ બધો પ્રતિભાનો ચમત્કાર છે. હકીકત મહત્ત્વની છે પણ હકીક્ત પૂર્ણવિરામ નથી. કવિ હકીકતને ઓળંગીને સત્ય તરફ જાય છે. કાલેલકર આઠમની ચંદ્રલેખા જુએ અને આપણે જોઈએ એમાં ફેર તો રહેવાનો જ. કાલેલકરને આઠમની ચંદ્રલેખા સુંદરીના પગના ઉતારેલા નખ જેવી લાગે. આપણે છાલ છોતરાંમાં અટવાઈએ છીએ. કવિને સીધો ફળ સાથે એટલે કે એના રસ સાથે સંબંધ છે.

આ પૃથ્વી તો પૃથ્વી જ છે પણ કવિ પૃથ્વી પર સ્વર્ગની સ્થાપના કરી શકે છે. જગતના નકશા પર ક્યાંક ના હોય એવી ચિર યૌવનની ધબકતી અલકાનગરી એ કવિની કલ્પનાનું પરિણામ છે. કવિ કાંઈ ધેલો કે તરંગી નથી, મેલો કે મુત્સદી નથી. આ અલકાનગરીમાં જે વાત છે તે તો મનુષ્યના હૃદયમાં રહેલા ચિર વિરહની વાત છે. ઝેર પીને કવિ આપણને અમૃતનો અનુભવ આપે છે. અશુભમાં પણ શુભને જોઈ શકે છે. કવિ વિનાના જગતની કલ્પના કરવી અશક્ય છે. મેઘદૂતમાં લાગણીનું ઉપનિષદ છે. પ્રકૃતિ અને માનવપ્રકૃતિનો સમન્વય છે. મેઘદૂત એટલે વ્યાકુળતાનું શિલ્પ. લાગણી ફેક્સ કરવાની નથી હોતી. એને તો કાવ્યમય રીતે વાદળ મારફતે વહેતી કરવાની હોય છે. મેઘદૂતમાં માનવહૃદયની શ્રી અને સમૃદ્ધિ છે. કવિની બાદબાકી કરી નાખીશું તો સરવાળે કશું જ રહેશે નહીં. કેશવસુતના આ કાવ્યના અનુસંધાનમાં, મરાઠી કવિ નારાયણ સૂર્વેએ ‘શબ્દનો ઈશ્વર નામનું કાવ્ય કર્યું છે તે આ સાથે વાંચવા જેવું છે.

કવિતા લખવાને બદલે જો મેં રદ્દી વેચી હોત તો સારું થતે

કાંઈ નહીં તો છેવટે ઉઘરાણીવાળાઓનો તકાદો તો હું ચૂકવી શકતે.

પણ એમ થયું નહીંઃ હું એટલો બધો શબ્દની પાછળ પડયો. બહેકી ઊઠયોઃ

જો એમ ન થયું હોત તો કદાચ હું બંગલાઓ બાંધી શક્યો હોત!

લોકસેવકની છટાથી મેં સારું યે જીવન સમર્પી દીધું હોત;

પ્રત્યેક ગરજ યાચકે ઝૂકીને મને સલામ ભરી હોત. ‘

ફિયાટ’ની સુંવાળી ગાદીમાં બેસીને મેં પવનને પણ ગુલામ કર્યો હોત.

એ જામ્યું હોત તો ગામમાં ચાર કારખાનાં નાખ્યાં હોત

શરાબનો ઘૂંટ પીતાં ગાલ પર ચંદ્ર જોયો હોત.

રોમિયો અને મજનૂની યાદમાં (હાય) આયુષ્ય વ્યતીત કર્યું હોત.

પ્રત્યેક સભાસંમેલનનું અધ્યક્ષસ્થાન અમે શોભાવ્યું હોત.

ગરીબાઈમાં મરી ચૂકેલા કવિનું સ્મારક રચ્યું હોત!

અમે ન હોત તો સૂર્યચંદ્ર, બિચારા ફિક્કા ફિક્કા થઈ જતે.

હે પૂર્વજો! તમારી વ્યથાને શબ્દોમાં અમર કોણે કરી હોત?

જન્મમરણના પ્રવાસમાં અમારા સિવાય તમારું કોણ સાથી થતે? ચાલો સારું થયું: અમારે કવિતામાં જ ખરાબ થવાનું હતું.

આકાશમાં જયારે રૉકેટ છોડવામાં આવ્યાં ત્યારે અમેરિકન કવિ રૉબર્ટ ફ્રોસ્ટે ચીસ પાડી હતી: ‘What are you doing in my sky?’ કવિની પૃથ્વી અને કવિના આકાશ સાથે ચેડાં ઓછાં કરીએ અને આપણે સંસ્કૃત નાગરિક છીએ એટલું પુરવાર કરી શકીએ તોપણ ઘણું.

‘કવિતા’ જૂન 1994માંથી સાભાર.

OP 15.12.2021

અર્જુનસિંહ .કે.રાઉલજી

15-12-2021

સુરેશ દલાલ સાહેબની તો વાત જ ન્યારી છે .તેમણે કેશવ સુતના સોનેટ દ્વારા ઘણી મોટી વાત સમજાવી છે .કવિ પાસે એક વિશિષ્ટ દષ્ટિ હોય છે .જે સામાન્ય માણસની દષ્ટિ કરતાં ભિન્ન છે . જેમકે સફરજન નીચે પડતાં તો બધાંએ જોયું હોય પણ ન્યુટનની દષ્ટિ તો એના એકલા પાસે જ હોય ..! એમ કવિની દષ્ટિ તો માત્ર તેની પાસે જ હોય ..! સુરેશભાઈ દલાલ સાહેબને સાદર સ્મરણવંદના

સાજ મેવાડા

15-12-2021

ખૂબજ અદ્ભૂત વાતો કવિ અને કવિતાની કરી છે. કવિ થવાનો આનંદ. આ સાથેના અન્ય સંવાદો પણ સરસ માહિતી સભર છે.

Renuka Dave

15-12-2021

વાહ વાહ..!
ખૂબ સરસ લેખ. દરેક કવિને સ્પર્શે તેવી વાત. કવિ કેશવસૂત આને કવિ સૂર્વેે એ કવિતા ના ઐશ્વર્ય અને કવિના દારિદ્રય ને ખૂબ સરસ રીતે રજૂ કરી. એમાં ભળી કવિ સુરેશ દલાલ ની રસાળ શૈલી..!!
આભાર કાવ્યવિશ્વ..!!

સુરેશ’ચંદ્ર’રાવલ

15-12-2021

બન્ને કાવ્યો એ કવિની અભિવ્યક્તિ છે. કવિની કલમ શું ચમત્કાર સર્જી શકે તે સુરેશ દલાલ સમજાવે છે…કવિ ના હોત તો જગત એક મોટું શૂન્યાવકાશ હોત અને માનવ સાવ જડ હોત , નિષ્ઠુર હોત ,.કવિ ના હોત તો આ કુદરતનાં પેટ ભરીને વખાણ કોણ કરી શકેત..?
વાહ લતાબેન ખૂબ આભાર…

છબીલભાઈ ત્રિવેદી

15-12-2021

આજના સેતુ વિભાગ મા સોનેટ વિશે ખુબજ રસપ્રદ માહિતી શ્રી સુરેશ દલાલ સાહેબ દ્નારા આપવા મા આવી સોનેટ કાવ્ય પ્રકાર ખુબ મજા નો છે જુનુ ઘર ખાલી કરતા કાવ્ય નાનપણ મા ભણ્યા છીએ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: