લતા હિરાણી ~ ઝળઝળિયાં * ચિનુ મોદી * Lata Hirani * Chinu Modi  

રચનાને રસ્તે’ –ચિનુ મોદી

(કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’નો આસ્વાદ  – આદરણીય કવિ ચિનુ મોદી દ્વારા વંદન સાથે આજે એમની સ્મૃતિમાં)

પતિના અકાળ અવસાનથી થયેલા શોકને ચાર પંક્તિના શ્લોકમાં નહિ; પણ અ-છાંદસ કવિતા ઢાંચામાં લતા હિરાણીએ ‘ઝળઝળિયાં’ સંગ્રહમાં પ્રસ્તુત કર્યા છે. હીરાબેન પાઠકના ‘પરલોકે પત્ર’ પછી શોકદર્શિની કાવ્યપ્રકારમાં આ બીજો સંપૂટ છે, જે મૃત પતિ પાછળ પત્નીએ પ્રગટ કર્યો હોય. લતાબેનની કરુણઘન અનુભૂતિને અ-છાંદસે નિર્ભય પ્રગટ કરવામાં સહાય કરી છે. ક્યાંય કૃતક થયા વગરની લયાન્વિત વાણીનો આ કરૂણ ગર્ભવિસ્ફોટ છે. આપણે એમના ચીરવિયોગના આ દુઃખના વાચક થઈ, એમના શોકને ઓછો તો નહીં કરી શકીએ; પણ, સહાનુભૂતિ દ્વારા એમને આશ્વાસન તો આપી જ શકીશું.

આમ છૂટક-છૂટક આ રચનાઓ છે પણ પ્રત્યેક રચનાનું કેન્દ્ર બિંદુ કાયમ માટે ખોઈ દીધેલા પતિ છે. આ રચનાઓમાંથી કેટલીકનું આપણે સહપઠન-પાઠન કરીએ.

જીવતો જાગતો માણસ / અચાનક / કાળની ભીંતે / ચિત્ર બની ટીંગાઈ જાય / ને પછી કોઈ / ઝાંઝવાની વલોણીથી

વલોવ્યા કરે જાતને / મથ્યા કરે / પેલી છબીને સજીવન કરવા.

ગઈ કાલ સુધી જેને પંચેન્દ્રિયથી પામી શકાતો હતો એ નિકટનો પ્રિય પુરૂષ, ઇંદ્રિયાતીત થઈ જાય, સજીવમાંથી નિર્જીવ થઈ ભીંતે ફોટોફ્રેમમાં મઢાઈ જાય, એ તે કેવું વસમું લાગે? અને એથી પણ વધારે વસમું – કવયિત્રી ઝાંઝવા વલોવે ને મૃત પતિને અ-મૃત ગણાવેલ નવનીતથી પુન: સજીવન કરવા મથે, એ વિફળ યત્નથી પ્રાપ્ત ભાવકગત વેદનાનો હિસાબ તો બે આંખો જ આપી શકે: ઝળઝળિયાંની બીજી રચના છે. 

અંધારાનું વૃક્ષ / જ્યારે મને વીંટળાઈ વળે છે / ત્યારે / મારી પથારીમાં પથરાય છે / કેટલાંય નવા શબ્દો / જે મેં ઉચ્ચાર્યા’તા / ને તેં સાંભળ્યાં નહોતા, / કેટલાય એવા શબ્દો / જે મેં ઉચ્ચાર્યા નહોતા / ને તેં સાંભળ્યાં’તા, / એવા તો અસંખ્ય / જે ઘૂઘવતા મૌનની સાથે / આમતેમ વહેતા કર્યા’તા આપણી વચ્ચે / હવે એ રોજ સંભળાવે છે મને / આપણા જાગરણની કથા……

અંધારામાં રૂપાંતર પામ્યો છે પતિ. અંધકારનું વટવૃક્ષ બની ગયો છે એ, એની શાખા – પ્રશાખા પથારીમાં વીંટળાઈ વળે છે અને ત્યારે એક અજાયબ અનુભવ થાય છે. કવયિત્રી કહે છે કે મેં તને (પતિને) કંઈ કેટલી એવી વાતો કહેલી, પણ તેં સાંભળેલી નહીં; પણ જબરી વાત તો એ કે મેં જે મનોમન અનુભવેલી, પણ શબ્દ સુધી નહીં પહોંચાડેલી અનેક અનુભૂતિઓ તું (પતિ) પામી ગયો હતો. મારી અણકહી વાતો તેં એક કાનથી ધ્યાનપૂર્વક સાંભળેલી. આ રીતે એકત્રિત-સંચિત થયેલું મૌન, આપણી વીતેલી વાતોને, તારી અનુપસ્થિતીમાં સતત કહ્યા કહે છે- સતત કહ્યા કરે છે: આપણી રાતોની રાત જાગ્યા કર્યાની કથા.

ત્રીજું કાવ્ય કેવળ પઠન માટે આપની પાસે પ્રસ્તુત કરું છું. એમાં મારી સંડોવણીની આવશ્યકતા નથી, એટલું એ સરળ છે, પ્રવાહી ભાષા પામ્યું છે:

ધારો કે તને આવવાનું મન થાય તો / તું અહીં જ આવને ! / આ ઘરની દીવાલોમાં / હજી તારા સ્પર્શની સુગંધ ફોરે છે / એ તને ન ખેંચે ? / અહીં એક ખોળો ખાલી છે;  / એના ગળાને હાલરડાની તરસ છે /હીંચકાને રાહ છે ઝુલવાની  / આ તો તને કહું છું ; / તને પાછા આવવાનું મન થાય……  / થાય જ ને !! – લતા હિરાણી (‘ઝળઝળિયાં’ કાવ્યસંગ્રહમાંથી)  

(ગુજરાત ગાર્ડિયન 6.11.2016)

OP 30.9.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: