રવીન્દ્ર પારેખ ~ હરિ તમે Ravindra Parekh

હરિ, તમે અન્યાય કરો છો એમ ન રાખો ભાર,
હરિ, આપણો હસતાં રમતાં નભી જશે સંસાર…
હું જાણું છું તમે જમીનમાં રહીને ફોડો ઘાસ,
તમે ન હો તો કોઈ રીતે ના થાય હવાનો શ્વાસ,
આવાં અઘરાં કામ કરો તો હુંય કરું કંસાર…
હરિ, આપણો હસતાં રમતાં…
મેઘધનુમાં રંગ ભરો ને કરો છીપમાં મોતી,
ફૂલોમાં હો મ્હેક તમારી ને આંખોમાં જ્યોતિ,
આવાં ઝીણાં કામ કરો તો કેમ કરું તકરાર?
હરિ, આપણો હસતાં રમતાં…
હરિ, તમે હૈયે રાખો તો શૈયે રહું ન ક્યાંય,
તમે ભલેને વિશ્વે વ્યાપો, મને દો કેવળ ઝાંય,
હરિ, આટલો દો આધાર તો વરસું અનરાધાર,
હરિ, આપણો હસતાં રમતાં…
~ રવીન્દ્ર પારેખ
અઢળક હરિકાવ્યો લખાય છે એટલે જ મારી ભૂલ ન થતી હોય તો કવિ ધીરુ પરીખનું કાવ્ય છે, ‘હરિ ચડ્યા હડફેટે’… એમાં એમણે કવિઓને જ હડફેટે લીધા છે. હા, એમાં અપવાદ હોય જ અને આ એ શ્રેણીમાં આવતું ગીત.
આખુંય ગીત સરસ અને ‘તમે ન હો તો કોઈ રીતે ના થાય હવાનો શ્વાસ’ …… વારી જવાય એવી.
સરસ હરિ ગીતો મા નુ સરસ હરિગીત ખુબ ગમ્યું અભિનંદન
વાહ…..વાહ…..
રવિન્દ્રભાઈના આ ગીતમાં હરિનું હેત તો છલકે છે….સાથે સાથે “આવાં ઝીણાં કામ કરો તો કેમ કરું તકરાર? ” માં ઘણું ઘણું કહી દીધું છે…..!!!
હરિવર આપણને માગ્યું-વણમાગ્યું કેટલું આપે છે….? !! એ યાદ કરવાને બદલે પોતાની જાત સાથે, પોતાના સ્વજનો સાથે અને સમષ્ટિ સાથે મોટે ભાગે તકરાર તકરાર ને તકરાર જ….?? !!!
એમ ન રાખો ભાર…..સાંભળીને હરિ કેટલો હરખાઈ જતો હશે….?
અદ્ભુત…..
ખુબ સરસ ગીત, વાહ 👍🏼👍🏼👍🏼
“હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણીરે” યાદ આવી ગયું.
વાહ.. સરસ હરિ કાવ્ય
સરસ ગીત રચના