સુચિતા કપૂર ~ રાત Suchita Kapoor

રાત ઘણી લાંબી હતી
અંધકાર ઘણો ઘેરો
અંધારે અટવાતાંયે મેં બારી ખોલી
ઉજાસની આશામાં
અંદરનો અને બહારનો અંધકાર
એકમેકમાં ઓગળી રહ્યા
ખુલ્લી બારીમાંથી
ધીમે ધીમે રંગહીન હવા આવી
મારી આંધળી લાગતી આંખોને મૃદુતાથી થપથપાવી
પછી આવ્યો એક નાનકડો આગિયો
કેવી તણખા જેટલી જ ઝબુકતી રોશની!
પણ, મારી આંખોને દૃષ્ટિનો અહેસાસ કરાવી ગઇ
થોડી વાર પછી પંખીના કલરવ સાથે આવ્યું
એક કોમળ કિરણ
હળવા ઉજાસે અંધકારને બહાર ધકેલ્યો
ને પાછળ આવ્યો ઝળહળતો સૂરજ
મારી આંખો ઝૂકી ગઇ
દૃષ્ટિ સ્વચ્છ થઇ ગઇ
બારી ઊઘડતાં સીધો જ સૂરજ આવ્યો હોત તો?
તો હું
સાચે જ અંધ થઇ જાત!!
~ સુચિતા કપૂર
એક સરસ અછાંદસ કવિતા. લાંબી નિરાશા પછી ધીમે ધીમે જાગતા આશાવાદ અને એના પ્રત્યેની સમજણ સરસ પ્રતીકોથી વ્યક્ત થઇ છે. થોડીક કવયિત્રીઓને બાદ કરતાં લગભગ અભાવ, દુખ, પીડા, આક્રોશ વ્યક્ત કરતાં કવયિત્રીઓના કાવ્યોમાં, જ્યારે આમ જુદો વિષય મળે છે ત્યારે આનંદ થાય છે… એમાનું એક કાવ્ય..
વાત સંપૂર્ણ રીતે સવારની છે પણ કવયિત્રીએ કવિતાને શીર્ષક આપ્યું છે ‘રાત’. શરૂઆત રાતથી જ થાય છે. રાત એ અંધારાનું પ્રતીક. આ અંધારું, નિરાશાનો ગાળો ઘણો લાંબો હતો. આમેય જ્યારે મન ઉદાસ હોય ત્યારે, દુખની રાત લાંબી જ બની રહે છે…પણ હૃદયમાં દુખ ભર્યું છે તોયે સુખની આશા છૂટી નથી એટલે જ ઉજાસની આશામાં હાથ બારી ખોલવા તરફ લંબાય છે પણ હજી બહાર અંધારું છે અને અંદર તો અંધારું ભર્યું જ છે. હા, એક વાત થઇ કે બંને અંધકાર એકમેકમાં ઓગળી રહ્યા… અને ખુલ્લી બારીમાંથી રંગહીન હવા આવી. અહીં ’રંગહીન’ શબ્દ ઘણો સૂચક છે. હવા મનને રાહત આપે છે પણ હજુ એ કોઇ રંગ ફેલાવે એવી નથી.. મનમાં કંઇ ભરી શકે એવી નથી.
આ હવાએ મારી આંધળી લાગતી આંખોને હળવેથી થપથપાવી. પછી માત્ર તણખા જેટલી જ ઝબુકતી રોશની ધરાવતો આગિયો આવ્યો અને આંધળી લાગતી આંખોને દૃષ્ટિનો અહેસાસ કરાવ્યો. બસ હવે તો રાત પૂરી થવામાં છે. આ ભલે રંગહીન રહી તો યે હવાની મૃદુતા, નાનકડા આગિયાની તણખા શી રોશની અને પછી પંખીના કલરવ સાથે સવારના સૂર્યનું કોમળ કિરણ ઘરમાં પ્રવેશી ગયું. ઉજાસ આવે એટલે અંધકાર આપોઆપ બહાર ધકેલાઇ જાય … પછી ધીમે ધીમે ઝળહળતા સૂર્યનું આગમન થયું!
વાત હવેની બહુ નાજુક છે. આંખો ઝૂકી ગઇ અને દૃષ્ટિ સ્વચ્છ થઇ ગઇ! નિરાશામાંથી આશામાં જવાની આ પ્રક્રિયા ધીમે અને નાજુકાઇથી થાય એ કેટલું જરૂરી છે? બની શકે કે નિરાશાના કારણો માટે પોતાનું મન પોતાને જ ગુનેગાર ઠરાવતું હોય!’ અને પછી ભૂલ સમજાઇ હોય!! આંખો ઝૂકી ગઇ અને દૃષ્ટિ સ્વચ્છ થઇ ગઇ… જો કે કાવ્યની આ જ ખૂબી છે કે ભાવકને એમાંથી જે અર્થ તારવવો હોય તે તારવી શકે. ખાસ કરીને જ્યાં વાત સાંકેતિક રીતે રજૂ થઇ હોય !! કવયિત્રી કહે છે બારી ઉઘડતાં સીધો જ સૂરજ આવ્યો હોત તો હું સાચે જ અંધ થઇ જાત!!
નિરાશામાંથી આશા તરફની વાત તો સ્પષ્ટ છે અને જુઓ, આંખ ઝૂકી જવી, દૃષ્ટિ સ્વચ્છ થવી અને નહીંતર અંધ થવાની આશંકા…. શું લાગે છે તમને આ વાતોમાં ?
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 92 > 25 જુન 2013
સરસ કાવ્ય નો ખુબ ઉમદા આસ્વાદ ખુબ ખુબ અભિનંદન
આભાર છબીલભાઈ
ખુબ સરસ સવાર …આ જીવન ની સવાર… આશા ની સવાર
આ અછાંદસ એક એવું શબ્દ ચિત્ર રચે છે, જે ગમી જાય એવું છે. આપે જે અર્થ કાઢ્યો છે તે, “ઊંડા અંધારેથી પરમ તેજે’ પહાંચવાની વાત છે. સારો વિવેચક ભાવક પણ હોય ત્યારેજ આવા અર્થો સુધી પહોંચાડે. કવિ સુચચિતા કપુરને, આદરણીય લતાજી આપને ખૂબ અભિનંદન.
આભાર મેવાડાજી