ધીરુબહેન પટેલ ~ મા Dhirubahen Patel

મા!
જગતભરના કવિઓએ
પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી તને
સુગંધના એ દરિયામાં તણાઈ ગઈ તું
ને ભૂલી ગઈ કે તું માત્ર માતા નથી
છે એક વ્યક્તિ જેનું કંઈક કર્તવ્ય છે
પોતાની જાત પ્રત્યે
તેમાંયે ઋષિમુખે સાંભળ્યું
‘કુપુત્રો જાયેત કવચિદપિ, કુમાતા ન ભવતિ’
ત્યારે તો સાત જન્મનો નશો ચડ્યો તને!
અન્યાય, અપમાન ને અવહેલનાની વર્ષા
છોને કરે સદાયે – ખમ્મા મારા લાલને!
‘સુમાતા’નું કાષ્ઠફલક ગળે લટકાવીને
કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે
કે ખોલીશ કદી નયન?
વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા
નથી નથી એ પ્રકૃતિની દેણ
છે જટિલ માનવસંસ્કૃતિની વધુ એક બેડી
ચકચકિત રૂપાળી ચાંદીની સોનાની
તોયે બેડી!
રુધિરનો પ્રવાહ પણ એકમાર્ગી નથી
હોય તો જીવન અટકી જાય
સ્નેહનો પ્રવાહ શા સારુ એકમાર્ગી?
~ ધીરુબહેન પટેલ
માતા પણ એક સ્ત્રી છે, એક વ્યક્તિ છે એ વાત માતૃવંદના અને માતૃમહિમામાં સૌ ભૂલી જ ગયાં… એ વાત અહીં ધીરૂબહેને કેવી સરસ રીતે નિરુપી છે!
વાહ ખુબ સરસ વાત ખુબ વેધક કાવ્ય મા નિરુપાય છે ખુબ સરસ મજાની રચના અભિનંદન
માના ગુણા આજની સરસ રચના. ભાવવંદના
પૌરાણિક કાળથી સ્ત્રીને વખાણી અને અનેક બંધનોમાં જકડી લીધી. એ ભાવ સુપેરે વ્યક્ત થયો છે.