આદિલ મન્સૂરી : ગુજરાતી ગઝલનો વરણાગી વળોટ અને વળાંક Adil Mansuri

જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની શરૂઆત થઈ હશે.

એવી કોઈ ગુજરાતી વ્યક્તિ મળે ખરી કે જેણે મનહર ઉધાસના સ્વરમાં આ ગઝલ સાંભળી ન હોય? અરે, ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ વાંચીને તો આંખ ભીની થયા વગર ન રહે. શાયર આદિલ મન્સૂરીની અનેક ગઝલ ગુજરાતી સાહિત્યની ઉત્તમ ગઝલોમાં સ્થાન પામી છે. અનેક ગાયકોએ એ ગાઈ છે અને લોકોના હૃદયમાં એ વસી ગઈ છે.

ઘાયલ, શૂન્ય, મરીઝ, સૈફ, બેફામ જેવા શાયરોએ અચ્છોવાનાં કરીને ગુજરાતી ગઝલને નમણું રૂપ-સ્વરૂપ બક્ષ્યું તો આદિલે ગઝલ કહેવાની રીત અને પરંપરા બદલી અને પ્રતીક /કલ્પનોમાં તાજગી લઈ આવ્યા  તેમ જ અરૂઢ ભાષાકર્મ થકી ગઝલનાં આંતર-બાહ્ય તત્વ/સત્વને નવતા બક્ષી.

કિશોરાવસ્થા કરાંચીમાં અને જીવતરનો બાકીનો ભાગ અમદાવાદ અને ન્યૂયોર્ક /ન્યૂજર્સીમાં વિતાવનાર આ શાયરે વતનઝૂરાપાને બહુ ઘૂંટ્યો અને સંવેદ્યો.

સાબરમતીની રેતીમાં આળોટતાં અમદાવાદને અલવિદા કહેતાં આદિલ લખે છે:

“નદીની  રેતમાં  રમતું  નગર  મળે  ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે”

અમેરિકામાં વસતા અને શ્વસતા આ શાયર બાદમાં એમ પણ લખે:

“ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં,
આદિલજીએ હસતાં રમતાં જર્સીમાં વરસો કાઢ્યાં”

અમદાવાદમાં જન્મ મળ્યો ને બચપણ છેક કરાંચી,
પાછાં અમદાવાદ, ને ફરતાં જર્સીમાં વરસો કાઢ્યાં”

આદિલજીએ ગઝલ કહેવા માટે ભાષાકીય તોડફોડ પણ કરી એમ કહેવાય છે. એમની માત્ર એક શબ્દ વાળી નીચેની ગઝલ એનો પુરાવો છે:

ઈશ્વર

પથ્થર

પ્રશ્નો

ઉત્તર

બિન્દુ

સાગર

માનવ

પામર

આદિલ

શાયર

એક અન્ય ગઝલના બે શેર જુઓ એમનું ભાતીગળ ભાષાકર્મ જુઓ

વમળ વમળ વળ વમળ વમળ વળ,
કપટ કપટ છળ, કપટ કપટ છળ.

કમળ કમળ દળ પળક ફળક પળ
વળળ ળળળ વળ છળળ છળળ છળ

છે ને કમાલ !

એમણે ‘ગઝલ ગુર્જરી ડોટકોમ’ ગુજરાતી ગઝલ સામાયિક ચલાવ્યું.

અમેરિકામાં આદિલ અને બિસ્મીલ મન્સૂરી એ ગુજરાતી સાહિત્યનું ‘ ફર્સ્ટ ફેમિલી’ ગણાતું. ઘણા બધા ગુજરાતી સાહિત્યકારો/કલાકારોએ અમેરિકામાં આદિલ મન્સૂરી દંપતિનું આતિથ્ય માણેલ છે.

આદિલે પ્રથમ ગઝલ પાકિસ્તાનમાં લખી ને અંતિમ ગઝલ ન્યૂ જર્સીમાં લખી.

ગુજરાતી સાહિત્યકારોને અમેરિકામાં પુરસ્કાર મળતો થયો એ આદિલજીનાં કારણેસ્તો. આયોજક કોઈ પણ હોય, એ કહી દેતા; ‘નો પુરસ્કાર, નો આદિલ’

ગઝલકાર હોવા ઉપરાંત આદિલજી એક અચ્છા ચિત્રકાર અને નાટ્યલેખક પણ હતા. ‘ પેન્સિલની કબર અને મીણબત્તી’ / ‘ હાથ પગ બંધાયેલા છે ને મોઢે ડૂચા મારેલા છે ‘ જેવા એબ્સર્ડ પ્રકારનાં એમનાં નાટકોય એક જમાનામાં અમદાવાદની કોલેજોમાં ભજવાતાં.

અવસાનના થોડાક મહિનાઓ અગાઉ જ છેલ્લે ‘ વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ સ્વીકારવા એ અમદાવાદ આવેલા.

ચાર ચાર દાયકાઓ સુધી જેમની ગઝલનું નૂર ગુજરાતી ગઝલભાવકોનાં આંતરમનને અજવાળતું રહ્યું, એમના થોડાક જાણીતા ને જાનદાર શેર

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

હવે વરસાદ તો થંભી ગયો ને,
છતાં પાલવ હવાનો નીતરે છે.

લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં  આવી.

પ્રેમનો દાખલો ફરી  માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.

મૌનની સરહદ વટાવી જાવ તો
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે

ઢાલગરવાડમાં જડ્યો જે મને,
શબ્દ ન્યૂયોર્કમાં મળ્યો તે મને

રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો,
મંજિલ સુધી પહોંચતાં પગભર બની ગયો.

જી હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે,
નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ.

ગઝલના બાદશાહ આદિલે અછાંદસ રચના પણ કેટલી સદ્ધર આપી છે!

હા કબૂલ્યું ગુપ્તચર છું હું,
નામ બદલી
મૌનના કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છગ્નવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
બાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઈકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારે દઉં ગઝલના કાનમાં.
એકેક ચપટા શબ્દના પોલાણને,
અંદર જઈ જોઉં તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઈને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું.

**

આદિલને મળેલા પુરસ્કારો  

કલાપી પુરસ્કાર, 1998

વલી ગુજરાતી પુરસ્કાર, 2008

આદિલના ગઝલસંગ્રહો

1. વળાંક  (1963)

2. પગરવ (1966)

3. સતત (1970)

4. ન્યૂયોર્ક નામે ગામ (1996)

5. મળે ન મળે (1996)

6. ગઝલનાં આયનાઘરમાં (2003)

7.हश्र की सुबह दरख्शाँ हो (ઉર્દૂ ગઝલસંગ્રહ)

**

આદિલ મન્સૂરી (ફકીર મહમ્મદ ગુલાબનબી મન્સૂરી)

જન્મ : 18, મે 1936 અમદાવાદ * અવસાન : 6 નવેમ્બર, 2008 ન્યૂજર્સી

ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.

~ આર.પી. જોષી રાજકોટ

~ માહિતી સૌજન્ય : ‘શિલ્પી’ બુરેઠા કચ્છ

3 Responses

  1. સર્જક વિભાગ મા આદિલ મનસૂરી નો ખુબ ઉમદા પરિચય કરાવ્યો ઘણી વિગતો જાણવા મળી અભિનંદન કાવ્યવિશ્ર્વ

  2. 'સાજ' મેવાડા says:

    આદિલ ની જિંદગી આને કવન ‘ડાયસ્ફોરા’ કવિ/શાયરો માં આગવું સ્થાન છે જ. ગઝલ ને જ જાતી માનનારા શાયરને સ્મૃતિ વંદન.

Leave a Reply to 'સાજ' મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: