રમેશ પારેખ ~ મનપાંચમના મેળામાં Ramesh Parekh

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગમ્બરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ
કોઈ ફાળ, તો કોઈ તંબૂની નિરાંત લઈને આવ્યા છે
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે
અહીંયા સૌ માણસ હોવાનો આઘાત લઈને આવ્યા છે
કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયા
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે
કોઈ ઘસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય, રમેશ
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
~ રમેશ પારેખ
લોકો બે બે પૈસા ની ઓkat લઇ ને avya છે This is Really lovely and sharp
આ ર.પા. ની સીગ્નેચર ગઝલ છે, ગાવા માટે પણ સરસ લય સચવાયો છે.
ર. પા. તો લયના બાદશાહ છે ને મેવાડાજી!
વાહ ખુબ સરસ જાણીતી રચના