‘કાવ્યસેતુ’ 437 ~ પારુલ નાયક Parul Nayak
‘કાવ્યસેતુ’ દિવ્ય ભાસ્કરની મારી કોલમમાં કવિ પારુલ નાયકની ગઝલનો આસ્વાદ (23.5.23) ~ લતા હિરાણી

સાચને આવે આંચ !
સત્ય છે પણ માનવું કાઠું પડ્યું છે,
એટલે તો બહુ બધું વાંકું પડ્યું છે!
જાવ કાણાં ને અમે કાણો જ કે’શુ
છો તુફાની નાવમાં કાણું પડ્યું છે!
ને ત્વચાનો શ્વાસ રૂંધો છો નકામાં,
લો ઉપાડો, આડશે ખાંડુ પડ્યું છે,
છે, હતું, એ ચિત્ર રહેશે એ જ ભીંતે,
છો સમયની ઝાપટે ઝાંખું પડ્યું છે!
કે હશે અફસોસ થોડો, રંજ થોડો,
જો અકારણ મન કશે પાછું પડ્યું છે
ને મને તો એમ કે પાકું જ રંગ્યુ,
એક રંગ ઉડયો અને આછું પડ્યું છે.
~ પારુલ નાયક
કવિતાના ક્ષેત્રમાં ગઝલ છવાઈ ગઈ છે એમ કહેવા કરતાં હવે ગઝલનો અતિરેક થાય છે એમ કહેવાનું મન થાય છે. રંગસભર, લયસભર ગીતોની કમી વર્તાય છે તો અર્થસભર અછાંદસ પણ શોધવા પડે છે. મુશાયરામાં, કાવ્યપઠનમાં એની માંગની મોહક છબિ ખરી ને! પણ સારા શેર, સારી ગઝલ આપવાની મહેનત મથામણ કરતા કવિઓ છે જ અને એ આશા આપનારી વાત. એ લિસ્ટમાં પારુલ નાયકને મુકાય.
પહેલા બે શેરમાં સરસ રીતે અને જાણીતી વાત કહેવાઈ છે. સત્ય કહેવું કે માનવું સહેલું નથી અને મુસીબતો ત્યાંથી જ શરૂ થાય છે. બીજા શેરમાં ‘કાણાંને કાણો’ કહેવાના જાણીતા રૂઢિપ્રયોગનો સરસ ઉપયોગ થયો છે. સ્વાભાવિક છે કે એના પરિણામો સ્વીકારવા જ પડે. એવો જ ત્રીજો શેર, જેમાં વાત લગભગ એ જ અને ‘ખાંડુ’ કાફિયા, પ્રવાહમાં બેસી જાય છે, જરા વજન વધુ લાગે તોય.
સત્ય કહેવું હોય, માનવું હોય ત્યારે પહેલી જરૂરિયાત મક્કમ બનવાની હોય. ઝૂકી જનારા કે નમી જનારા સત્યનો સંગાથ કરી શકે નહીં. છેલ્લા શેરમાં સ્પષ્ટ કહેવાને બદલે જરા સંકેતોથી કામ લેવાયું છે એ વાત નોંધવી જોઈએ. મન અકારણ પાછું પડે ત્યારે છબિનો રંગ ઝાંખો પડે…. એ વાત હૈયે નડે, કનડે અને જો એનો નિકાલ/ઉપાય ન થાય તો અંદર સડે.
સત્યની સાથે રહેનારાએ આ અવઢવ ઝીલેલી જ હોય, આ કસોટી વેઠી જ હોય. ક્યારેક એમાં ઊણા ઉતરવાની વેળા પણ આવી જ હોય ને પાર ઉતરવાનો સંતોષ કે પરિણામે સંતાપ પણ ભોગવ્યાં જ હોય. સમય સઘળા રંગો જીવનમાં બતાવે જ છે. જીવન બધા જ પ્રકારના સમયને સામે લાવીને ખડા કરે જ છે…. એ શબ્દદેહે દાર્શનિકોના ચિંતનમાં ઊતરે, વાર્તાકારોની વાર્તામાં ઝળકે અને કવિઓની કવિતામાં….
ખુબ સરસ કવિતા નો ખુબ ઉમદા આસ્વાદ ખુબ ખુબ અભિનંદન
આભાર છબીલભાઈ
ખૂબ સરસ રીતે આસ્વાદ કરાવ્યો છે.
આભાર પારુલબેન
આજના દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં’કાવ્યસેતુ’ અંતર્ગત સુ. શ્રી લતાબેન હિરાણીએ મારી ગઝલનો સુંદર આસ્વાદ કરાવ્યો છે અને આશાસ્પદ ગઝલ લેખનમાં મારું કશુંક પ્રદાન છે એવો ઉલ્લેખ કર્યો છે એ મારે માટે અત્યંત પ્રેરણાદાયક છે, ખૂબ ખૂબ આભાર માનું છું.
ધન્યવાદ!
આનંદ આનંદ
સરસ ગઝલ, સરસ આપનો આસ્વાદ. આપે ફરીથી ટાઈપ કરીને મૂક્યું એ જરૂરી હતું.
જી મેવાડાજી. આભાર.