જિજ્ઞા ત્રિવેદી ~ હશે Jigna Trivedi

ખળભળે એ લાગણીનું જળ હશે
ભાવથી ભીનું થયેલું તળ હશે

શ્વાસમાં દેખાય છે અકબંધ એ
શક્યતાની સાચવેલી સળ હશે

દ્વાર ના ખૂલે હૃદયનું એમ કંઈ
વાપરી એમાં કશી તેં કળ હશે

જે બરફ જેવું તને દેખાય એ
યાદમાં થીજી ગયેલી પળ હશે

આંખના આંસુય લ્યો જે પી ગયા
પ્રેમના તરસ્યા જ એ વાદળ હશે

~ જિજ્ઞા ત્રિવેદી

કવિતાનો ચિર સનાતન વિષય ‘પ્રેમ’ આ ગઝલમાં પથરાયેલો છે. પ્રેમ માનવ માત્રની જરૂરિયાત છે. સ્નેહ એ બાળકથી માંડીને વૃદ્ધ સુધી સૌ કોઇની અદમ્ય જરૂરિયાત છે.  કઠોરમાં કઠોર માનવીનું હૈયું પણ કોઇકનો પ્રેમ, કોઇકની હૂંફ જરૂર ઝંખતું હોય છે. યુવાનીમાં એ મત્ત બને છે. એના અભાવમાં જીવન રણ જેવું બની જાય છે અને એનો કોઇ વિકલ્પ દેખાતો નથી… એ પ્રેમ હોય કે પ્રેમનો વ્હેમ હોય…. મન ગાંડુતૂર બનીને પાછળ દોડ્યા કરે એ આ અવસ્થા..

8 Responses

  1. દિલીપ જોશી says:

    જિજ્ઞાબેનની આ ગઝલના બધા શેર સાદ્યંત સુંદર છે.એની સરળતામાં છુપાયેલી અર્થગહનતામાં પ્રેમનું પાથેય પ્રત્યેક શેરમાં ઘૂંટાયેલું છે.જે અહીં “હશે” રદીફથી આગળના કાફિયા જળ, તળ, કળ, પળ,વાદળ દ્વારા પ્રેમની શક્યતાનો આછેરો અણસાર આપે છે, જો તમે એમાં મનથી ડૂબકી લગાવો! એ જ તો કવયિત્રી ની કમાલ છે. જય હો.

  2. Minal Oza says:

    સરસ,સરળ પ્રેમની પરિભાષા આપતી ગઝલ.અભિનંદન.

  3. જ્યોતિ હિરાણી says:

    સાધંયત સુંદર ગઝલ, બધાં શેર લાજવાબ

  4. જિજ્ઞા ત્રિવેદી says:

    વાહ લતાબહેન, મારી ગઝલને આપે સ્થાન આપ્યું, ખૂબ આનંદ થયો. આપનો હૃદય પૂર્વક આભાર.

  5. 'સાજ' મેવાડા says:

    લાગણી, પ્રેમ અને આંસુંનો સમનવ્ય સાધતી સરસ ગઝલ.

  6. સરસ ગઝલ ખુબ ગમી અભિનંદન કાવ્યવિશ્ર્વ

Leave a Reply to છબીલભાઈ ત્રિવેદી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: