રમેશ પારેખ ~ ભગવાનનો ભાગ Ramesh Parekh

નાનપણમાં બોરાં વીણવા જતા
કાતરા પણ વીણતા
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા, ટેટા પાડતા

બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો
-આ ભાગ દીપુનો
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’
સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા
ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા

પછી મોટા થયા
બે હાથે ઘણું ય ભેગું કર્યું;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?
રબીશ! ભગવાનનો ભાગ?
ભગવાન તે વળી કઇ ચીજ છે?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…
મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ
એકાદ સુકું તરણું યે નહીં
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને
વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.
હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ- કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો… 

~ રમેશ પારેખ

રમેશ પારેખની પૂણ્યસ્મૃતિને શત શત વંદના.

3 Responses

  1. Minal Oza says:

    અદ્ભુત અભિવ્યક્તિ.. વંદન.

  2. કવિ શ્રી ની ખુબ જાણીતી રચના ખુબ ગમી સ્મૃતિ વંદના

  3. 'સાજ' મેવાડા says:

    ગદ્ય પદ્ય નું મિશ્રણ જેવી ખૂબ ચિત્રાત્મક ચોટદાર રચના. સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: