દિલીપ ઝવેરી ~ મા

એક વાર જનમ દઈને

મા વસૂલી કરતી જ રહે છે

જેમ બાળોતિયાંના રંગ અને ભોંયે મૂતરના રેલા તપાસે

તેમ પાટી પરના એકડા, શબ્દોની જોડણી, અક્ષરના માર્ક,

લખોટીની ડબલી, નોટબુકના પૂંઠા, ચોપડીમાં સંતાડેલાં ચિત્ર,

દોસ્તારોના સરનામાં, બહેનપણીઓનાં નામ,

નામ વગરના નંબર,

બસની લોકલની, સિનેમાની બચેલી ટિકિટો,

સિગારેટનું ન ફેંકેલું ખોખું,

બુટના તળિયાં, ખમીસના કોલર….

ઊંઘ ઓછી તોય ‘વાટ જોતી જાગું છું’ કહેતી

ચાવી ફેરવતાં પહેલાં જ બારણું ખોલી શ્વાસ સૂંઘી લે

જાસુસી વાર્તાનો ભેદ ખુલવાનો હોય

તે જ વખતે દૂધનો પ્યાલો લઈને આવે

રેડિયો પર મનગમતું ગીત આવતું હોય

ત્યારે ગણિતના દાખલા અધૂરા પડ્યા છે એની ટકોર કરે

પાસ થવાશે કે કેમ એવા ફફડાટે પરીક્ષા આપવા જતાં

’દીકરા દાકતર થવાનું છે’ એવા આશિર્વાદ દે

નોકરીના ઇંટર્વ્યુ માટે નીકળતાં

ટપાલઘરથી ટિકિટ લઇ આવવા કહે

ઘરવાળીને સિનેમા લઈ જતાં

કામવાળીએ કરેલા ખાડાનો કકળાટ માંડે

નાહીને બરડો લૂછો, તો દેખાડે કાન પછવાડે ચોંટેલો સાબુ

ઝીપ ખુલા પાટલુનનો પટ્ટો બાંધતે ટાણે કહે

’ભાત ખાવામાં ભાન રાખતો નથી’

અંબોડી ખોલી વાળમાં ઝીણી કાંસકી ફેરવતી,

ખરેલા વાળની ગૂંચ બાંધતી બોલે

’અત્યારથી જ તારાં ઓડિયાં ધોળા થાવા માંડ્યા છે”

મારા દીકરાને નિશાળે જતાં પહેલાં,

ગાલે પાઉડર થપેડતાં યાદ કાઢે

’તારા બાપના દેદારનાં કદી ઠેકાણાં નહોતાં’

ભાણે બેસી દોઢું જમે પણ સંભળાવે

‘રસોઈમાં ભલેવાર નથી’

બપોરે એકલી હોય ત્યારે કબાટ ખોળે

’પહેરવી નહીં તો આટલી સાડી કેમ ખડકી?’

’બે છોકરાંની માને સગાંવહાલાં કે અજાણ્યાં સામે ખી ખી કરતાં લાજ નહીં?

ને ધણીના મોંમા મગ ભર્યા છે!

’પિયરિયાને ચામાં ખાંડ ઝાઝી, મફતની આવે છે?’

’ઘાઘરાને કાંજી ચડાવે પણ વરના લેંઘાને ઇસ્ત્રી કરતાં બાવડે મણિયાં બાંધ્યા છે’

’ટીવી જોતાં સાંભરતું નથી કે રસોડામાં ઉઘાડે ઠામણે બચેલામાં વાંદા ફરશે’

સૌની પહેલાં પોતે છાપું ઉઘાડી ઓળખીતાં પાળખીતાં અજાણ્યાનાં

મરણની નોંધ વાંચતી રામ રામ રટતી

પોતાની આવતી કાલને જેશીકૃષ્ણ જેશીકૃષ્ણ કરે

ભાગવત પાઠ કરતાં ચશ્મામાંથી આંખ ઊંચી કરી

ધવરાવેલાને જોઈ જોઈ નિસાસે નિસાસે સૂકવતી જાય

હાથે ઝાલવાની ટેકણલાકડી બનાવવા

એક વાર જનમ દઈને મા આખરે ખાંડી લાકડાં વસૂલ કરે છે..

~ દિલીપ ઝવેરી

5 Responses

  1. વહીદા ડ્રાઈવર says:

    Vahhh nice
    Mast

  2. વાહ ખુબ સરસ માં વિશે જેટલુ લખીઅે તેટલુ ઓછુ ખુબ ખુબ અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    વાહ, ખૂબ સરસ મા લાગણી સભર દિનચર્યા.

  4. 'સાજ' મેવાડા says:

    વાહ, ખૂબ સરસ મા લાગણી સભર દિનચર્યા.

  5. હરીશ દાસાણી says:

    કૌટુંબિક રોજિંદા પ્રસંગોમાંથી પ્રગટતી મા ની વાસ્તવિક અને કાળજી કરતી છબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: