અનિલ ચાવડા ~ ફકત થોડા જ દિવસોમાં
ફકત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં.
એ વરસોથી કરી બેઠો છે ઈશ્વર કેદ પથ્થરમા.
અહીંયા કોઈએ ટોળે ન વળવું એમ કહેવાને ;
હજારો માણસો ભેગા થયા છે એક ખંડેરમાં.
‘જીવન પોતેજ બીમારી છે’ એમ કહેનાર એક ફિલસૂફ
જરા ખાંસી ચડી તો એકદમ ધ્રૂજી ઉઠ્યા ડરમાં!
કબૂતર બાંધતું ‘તું જાદુગરની ટોપીમાં માળો!
એ જોઈ આવી ગઈ શ્રદ્ધા બધાને જાદુમંતરમાં
ગહન અંધારનો કાળો વિષય શિખવાડવા માટે;
વદ્યા શિક્ષક, ‘દીવા કરજો બપોરે ઘરના ઉંબરમાં’
તમારા આંકડા શિકારી નહોતા એ વખતના છે,
હવે ક્યાં એકપણ જોવા મળે છે હંસ સરવરમાં?
ટીવીમાં બેઘરોના ન્યૂઝથી રડનારને પૂછ્યું,
ઘડીક બાળકને સાચવશો? તો બોલ્યો ‘હેં હેં’ ઉત્તરમાં !
~ અનિલ ચાવડા
OP 25.12.2020
પ્રતિભાવો