પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ ~ કરશે સતત કાને ધસી ફરિયાદ
કરશે સતત કાને ધસી ફરિયાદ, આ દિવસો તને
રહે એકવીસ વરસો લગી પણ યાદ, આ દિવસો તને.
છે સર્વમાં તું શ્રેષ્ઠ એ માની લીધું ઓ! માનવી
કહેશે બધે કરવો પડે સંવાદ, આ દિવસો તને.
છે આત્મસંયમ ચીજ શી એ જાણી લે આ અવસરે
ને રાખશે કાયમ પછી આબાદ, આ દિવસો તને.
પાંખો મળી તો ઊડવું પણ આભને ચીર્યા વગર
કહે છે નથી તું એટલો આઝાદ, આ દિવસો તને.
બે-ચાર સાદા મંત્રને પાકા કરી લીધા અગર
બોલાવશે નરવો દઈને સાદ, આ દિવસો તને.
આપે જ છે કુદરત પ્રથમ એ પાત્રતા ઊભી કરો
મોંઘી જણસ જેવી ધરે સોગાદ, આ દિવસો તને.
સૌજન્ય : સાહિત્યસેતુ ઇજર્નલ
OP 23.12.2020
પ્રતિભાવો