મીનાક્ષી ચંદારાણા ~ તમારી કલ્પનાથી
તમારી કલ્પનાથી હું ઘણી આગળ છું, ઓ બેટા!
હું છું કુદરત, ને મારા ઝીણા રૂપનું નામ કોરોના!
હણો છો ચેતના ભેગાં મળી, વિલાસના મદમાં,
અને એથી જ પામ્યાં છો અજબ અંજામ… કોરોના!
ઘણાંએ લોક-ધામોથી તો માહિતગાર છો માનવ,
હવે એમાં ઉમેરો એક અજાણ્યું ધામ… કોરોના!
કે જીભ તો આભને આંબે, અસીમ કેવી બુભુક્ષા આ!
કરો પ્રગતિ, ને છેવટ લો વસાવી ગામ કોરોના!
ઘણું દોડ્યા તમે, થોભો જરા અંતરમાં ઝાંખીને,
લિખિતંગ આપનો, બસ આપનો આરામ… કોરોના!
– મીનાક્ષી ચંદારાણા
OP 22.12.2020
ખૂબ જ સરસ કોરાના અભિવ્યક્તિ.
કોરોનાના અવનવા પ્રત્યાઘાત ઝીલતી આ કવિતાના પહેલા બે શેર બહુ જ ગમી ગયા .